જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી બાઇક પર જતાં યુવાનને સામેથી આવતા બાઇકચાલકે ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના તરઘડી દેવળિયા ગામનો વતની અને હાલ જામનગરમાં કનસુમરા પાટિયા સામે આવેલા મયૂર એવન્યુ, શેરી નંબર 6, મકાન નંબર 74/3માં રહેતાં ચેતનભાઇ મનસુખભાઇ બકરાણિયા (ઉ.વ.37) નામના ગુર્જર સુથાર યુવાન ગત્ તા. 18ના રોજ બપોરના સમયે તેના જીજે10 ઇડી 0993 નંબરના બાઇક પર દરેડ, જીઆઇડીસી ફેઇઝ 3માંથી પસાર થતો હતો ત્યારે સામેથી આવી રહેલા એમપી32 ઝેડબી 8431 નંબરના બાઇક ચાલકે મિસ્ત્રી યુવાનના બાઇક સાથે બાઇક અથડાવતા ગમખ્વાર અકસ્માતમાં ચેતનભાઇ રોડ પર પટકાયા હતા. જેમાં માથામાં તથા આંખમાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ બનાવ અંગેની જાણ થતાં પીએસઆઇ એ. આર. પરમાર તથા સ્ટાફે ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવી મૃતકના ભાઇ નવનિતભાઇના નિવેદનના આધારે બાઇક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


