Monday, October 12, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં તસ્કરો મકાનમાંથી લાખોના દાગીના ઉસેડી ગયા

ખંભાળિયામાં તસ્કરો મકાનમાંથી લાખોના દાગીના ઉસેડી ગયા

પરિવારજનો સુરત ગયા હતાં : તસ્કરો સામાન વેરવિખેર કરી રૂા.7.70 લાખની માલમતા ચોરી ગયા : જાણભેદુ હોવાની આશંકાએ તે દિશામાં પોલીસ તપાસ

ખંભાળિયા શહેર નજીકના શક્તિનગર વાડી વિસ્તારમાં રહેતા એક સતવારા યુવાનના બંધ રહેણાંક મકાનમાં તસ્કરે ખાતર પાડી, આ મકાનના કબાટમાં રહેલા સોના-ચાંદીના દાગીના તથા રૂ. 1.40 લાખની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 7.70 લાખનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી, ચોરી સંદર્ભે ફરિયાદીના ભત્રીજાની અટકાયત કરી હતી.

- Advertisement -

આ ચકચારી પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા શહેર નજીકના શક્તિનગર વિસ્તારમાં આવેલા પાંચ વાડી ખાતે રહેતા અને સુરતના પૂર્ણા ગામ ખાતે પ્રણામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ ધરાવતા તથા કડિયા કામ કરતા સતવારા ગોવિંદભાઈ વાલજીભાઈ નકુમ (ઉ.વ. 36) ના બે પુત્રો સુરત શહેર ખાતે અભ્યાસ કરે છે. સંયુક્ત કુટુંબમાં રહેતા ગોવિંદભાઈ નકુમ ગત તા. 4 ઓક્ટોબરના રોજ તેમના માતા સાથે સુરત જવા નીકળ્યા હતા.

આ પછી તેઓ ગઈકાલે શનિવારે સાંજના સમયે પરત આવીને જોતા તેમના રહેણાંક મકાનમાં ચોરી થયાનું ખુલવા પામ્યું હતું. તા. 4 થી 10 ઓક્ટોબર સાંજ સુધીના સમયગાળા દરમિયાન કોઇ શખ્સે રસોડાની બંને બારીઓ તોડી, રૂમના દરવાજા પાસેનો આગળિયો કાપી અને રૂમમાં પ્રવેશ કર્યો હતો. અહીં રહેલા કબાટને વેરવિખેર કરી, તેમાં રાખવામાં આવેલા રૂ. 1,40,000 રોકડા તેમજ રૂ. અઢી લાખની કિંમતનો આશરે અઢી તોલા સોનાનો એક ચેન, રૂ. એક લાખની કિંમતની એક તોલા સોનાના ચૂડલાની એક જોડી, રૂ. 50,000 ની કિંમતની અડધા તોલા સોનાની બુટીની એક જોડી, રૂ. 50,000 ની કિંમતની સોનાની એક જોડી બુટ્ટી ઉપરાંત સોનાના નાના બે નંગ પેન્ડલ, સોનાની વીંટી, સોનાના દાણા, બે જોડી ચાંદીના સદરા, ચાંદીનું મંગલસૂત્ર, 12 નંગ ચાંદીની લકી, ચાંદીની 8 નંગ ચેન, ચાંદીના કંદોરા, ચાંદીના છમછમીયા, ચાંદીની માછલી, ચાંદીની પુરુષોની વીંટી, ચાંદીની બંગડી, ચાંદીની કડલી, ચાંદીની લેડીઝ વીંટી, કાનમાં પહેરવાની ચાંદીની કડલી, વિગેરે 19 પ્રકારનો મુદ્દામાલ ચોરી થયા હોવાનું જાહેર થયું છે.

- Advertisement -

આમ, બંધ રહેલા રહેણાંક મકાનમાંથી કુલ રૂપિયા 7,69,500 નો મુદ્દામાલ ચોરી થવા સબબ ખંભાળિયા પોલીસે ગોવિંદભાઈ નકુમની ફરિયાદ પરથી વિધિવત રીતે ગુનો નોંધ્યો છે. આ ચોરી પ્રકરણ સંદર્ભે આરોપી તરીકે આ જ વિસ્તારમાં રહેતા ફરિયાદીના ભત્રીજા ઋત્વિક નીતિનભાઈ નકુમ (ઉ.વ. 25) નું નામ જાહેર થયું છે.

આ બનાવ બનતા અહીંના એ.એસ.પી. પ્રખર કુમાર તેમજ પોલીસ કાફલો દોડી ગયો હતો અને આ પ્રકરણમાં કોઈ જાણભેદુ સંડોવાયેલો હોવાની આશંકા સહિતની દિશાઓમાં તપાસ આરંભી, જરૂરી કાર્યવાહી કરી હતી. આ પછી પોલીસ દ્વારા આરોપી શખ્સની અટકાયત કરી લેવામાં આવી હતી. ચોરીના આ બનાવે શક્તિનગર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular