જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરના રણજીતનગર સ્થિત પટેલ સમાજ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નો કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને સમર્પિત અવિરત સેવાકાર્યોને 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન દરમિયાન વિકાસ, જનસેવા અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે સૌને જોડાવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ હતી. હાથમાં પ્રજ્વલિત મશાલો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રાષ્ટ્રસેવા તથા જનસેવાના સંકલ્પને ઉજાગર કરવામાં આવ્યો હતો. સમગ્ર સ્થળે દેશભક્તિ અને વિકાસના સંદેશ સાથે ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા મુખ્ય ઉપસ્થિતિ રહ્યા હતા. તેમની સાથે જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભાના સાંસદ પૂનમબેન માડમ, જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી સહીત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સહિતના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી અને દંડક પ્રવિણાબેન રૂપડીયા સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
View this post on Instagram
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધનને ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાનના જાહેર જીવનના 25 વર્ષ દરમિયાન દેશના વિકાસ અને જનકલ્યાણ માટે થયેલા વિવિધ પ્રયાસોને યાદ કરવામાં આવ્યા હતા.
‘સેવા જ્યોતિ યાત્રા’ના માધ્યમથી સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ વિકસિત ભારતના નિર્માણ માટે સામૂહિક ભાગીદારી અને રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જામનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવો, પદાધિકારીઓ, કાર્યકરો તથા મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિથી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યો બન્યો હતો.


