દેવભૂમિ દ્વારકામાં બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા વિપ્ર વકીલના મકાનમાં પાંચ દિવસ પૂર્વે રાત્રિના સમયે તસ્કરોએ દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી 15 હજારની રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂા.4.15 લાખની માલમત્તા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા સુનિલભાઈ અનંતરાય વલ્લભદાસ જોશી નામના 42 વર્ષના બ્રાહ્મણ યુવાનના મકાનમાં ગત તા. 2 ના રોજ રાત્રિના સમયે તસ્કરો પ્રવેશ્યા હતા. આ મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, મેઈન દરવાજાનું તાળું તોડી, તસ્કરોએ રૂમમાં રહેલા ડ્રોવરમાંથી રૂ. 15 હજારની રોકડ રકમ તેમજ સોનાના બે પાટલા, સોનાની બે બંગડી, એક ચેન, એક મંગલસૂત્ર, એક વીટી વિગેરે મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. રૂ. ચાર લાખની કિંમતના સોનાના દાગીના સહિત કુલ રૂપિયા 4.15 લાખના મુદ્દામાલની ચોરી થવા સબબ દ્વારકા પોલીસે સુનિલભાઈ જોશીની ફરિયાદ પરથી વિધિવત રીતે ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડના વડપણ હેઠળ પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.


