Wednesday, October 7, 2026
Homeરાજ્યજામનગરબેડેશ્વરમાં નોનવેજ ખાધા બાદ 35 લોકોને ફૂડ પોઈઝનિંગ - VIDEO

બેડેશ્વરમાં નોનવેજ ખાધા બાદ 35 લોકોને ફૂડ પોઈઝનિંગ – VIDEO

સોમવારે ચિકન ટીક્કા અને ચિકન લોલીપોપ ખાધા બાદ તબિયત લથડી: મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નમૂના લેવાયા: એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સ સીલ

જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સમાંથી નોનવેજ ભોજન આરોગ્યા બાદ 30થી 35 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થયાની ઘટના સામે આવતાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગનું તંત્ર દોડતું થયું હતું. અસરગ્રસ્તોને સરકારી જી.જી. હોસ્પિટલ તેમજ બેડેશ્વર વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

મળતી વિગતો મુજબ, તા.4 ઓક્ટોબરની રાત્રિના સમયે બેડેશ્વર તથા આસપાસના વિસ્તારમાં રહેતા 30થી 35 જેટલા લોકોએ એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સમાંથી બિરયાની સહિતની અલગ અલગ નોનવેજ વાનગીઓ ખરીદી હતી. જેમાં ચિકન ટીક્કા, ચિકન લોલીપોપ સહિતની વાનગીઓનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. ભોજન લીધા બાદ બીજા દિવસે સવારે આશરે 11 વાગ્યાના અરસામાં એક પછી એક લોકોને પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી સહિતની તકલીફો શરૂ થતાં ફૂડ પોઈઝનિંગની અસર થયાનું સામે આવ્યું હતું.

તબિયત લથડતાં અસરગ્રસ્તોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ઉપરાંત બેડેશ્વર વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ જે દર્દીઓની તબિયતમાં સુધારો થયો હતો તેમને તબક્કાવાર રજા આપવામાં આવી રહી છે. હાલ સરકારી જી.જી. હોસ્પિટલમાં 11 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે અને તેમની તબિયતમાં પણ ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.

- Advertisement -

ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી નિલેશ પી. જાસોલીયા તથા તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા કેટરર્સની જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતા તથા ખાદ્યપદાર્થોની જાળવણી અંગેની સ્થિતિ ચકાસવામાં આવી હતી.

- Advertisement -

તપાસ દરમિયાન પ્રાથમિક તબક્કે અનહાઇજેનિક કન્ડિશન જોવા મળતાં ફૂડ વિભાગ દ્વારા આગામી નવો આદેશ ન થાય ત્યાં સુધી એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સને સીલ કરી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી ખાદ્યપદાર્થોના જુદા જુદા પાંચ નમૂના લીધા હતા. આ તમામ નમૂનાઓને પૃથક્કરણ તથા ગુણવત્તા ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીના અહેવાલ બાદ ખાદ્યપદાર્થોમાંથી ફૂડ પોઈઝનિંગ થયું કે કેમ અને તેનું ચોક્કસ કારણ શું હતું તે અંગે વધુ સ્પષ્ટતા થશે.

ફૂડ પોઈઝનિંગની ઘટનાને પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ તથા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular