જામનગર શહેરમાં ઘનકચરામાંથી વીજ ઉત્પાદન માટે કાર્યરત વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટને લઈને ગંભીર આક્ષેપો સાથે રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં પ્લાન્ટ દ્વારા સરકાર સાથે થયેલા કરારની શરતોનું પાલન ન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ પ્લાન્ટમાંથી દુર્ગંધ, પ્રદૂષણ તથા પર્યાવરણને નુકસાન થતું હોવાનો દાવો કરી સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચસ્તરીય અને સ્વતંત્ર તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆત મુજબ જામનગરમાં કાર્યરત પ્લાન્ટ ગીચ વસ્તી વિસ્તારની નજીક આવેલો છે અને વારંવાર ચાલુ-બંધ થતી કામગીરીને કારણે શહેરમાં ઘનકચરાના નિકાલની સમસ્યા વધુ ગંભીર બનતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ વીજ ઉત્પાદન બંધ હોવાની સ્થિતિ સહિત પ્લાન્ટની કામગીરી અંગે સ્થાનિક લોકોની રજૂઆતોના આધારે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
નિતિન માડમ દ્વારા કરાયેલ રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપની દ્વારા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા દરે વીજળીનું વેચાણ પોસાતું ન હોવાનું કારણ આગળ ધરી કરારની શરતોના પાલનમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. પ્લાન્ટમાં જરૂરી ડિઓડરાઇઝેશન પ્રક્રિયા, પર્યાવરણ સુરક્ષાના પગલાં, ગેસ નિયંત્રણ અને લીચેટ ટ્રીટમેન્ટ જેવી વ્યવસ્થાઓ યોગ્ય રીતે અમલમાં મૂકાતી ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
View this post on Instagram
આ પરિસ્થિતિના કારણે પ્લાન્ટની આસપાસના અંદાજે હજારો નાગરિકોને દુર્ગંધ અને હાનિકારક વાયુઓના કારણે મુશ્કેલી પડતી હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબત નાગરિકોના જીવન અને આરોગ્યના અધિકાર સાથે સંકળાયેલી હોવાથી તાત્કાલિક હસ્તક્ષેપ જરૂરી હોવાનું જણાવાયું છે.
આ મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરી તેમજ જામનગર મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. જોકે, માત્ર નોટિસો પાઠવવા સિવાય કડક અને અસરકારક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વર્ષ 2021થી લોકો દ્વારા ધરણાં, રેલીઓ અને આવેદનો મારફતે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું ન હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.
રજૂઆત મુજબ આ કરારોને વર્ષો વીતી ગયા હોવા છતાં નિયત કામગીરી પૂર્ણ ન થઈ હોવાના પ્રશ્નો ઉઠ્યા છે. વધુમાં, કેન્દ્ર સરકારની રૂ. 554.49 કરોડની સબસિડી અને વિવિધ બેંકો પાસેથી લેવામાં આવેલી લોનનો ઉલ્લેખ કરી કુલ 11 કંપનીઓની રૂ. 798.91 કરોડ જેટલી લોન નાણાકીય વર્ષ 2024-25માં એનપીએ જાહેર થયાનો દાવો કરવામાં આવ્યો છે.
રજૂઆતમાં માત્ર પર્યાવરણ અને કરારભંગનો મુદ્દો જ નહીં પરંતુ આર્થિક વ્યવહારોની પણ તપાસની માંગ કરવામાં આવી છે. સબસિડી અને બેંક લોનના ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠાવી સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ એજન્સી મારફતે તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે.
સાથે જ લોન મેળવવા માટે રજૂ કરાયેલા ટેકનિકલ ડિરેક્ટરના પ્રમાણપત્રો અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ છે.
રજૂઆતમાં જામનગર મહાનગરપાલિકા, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના સંબંધિત વિભાગોની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. લાંબા સમયથી રજૂઆતો છતાં અસરકારક કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપોની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆત કરનાર દ્વારા સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓની ફરજમાં બેદરકારી સાબિત થાય તો વિભાગીય તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
રાજ્યપાલ સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં સમગ્ર મામલે સ્વતંત્ર ઉચ્ચસ્તરીય ન્યાયિક અથવા ટેકનિકલ તપાસ સમિતિની રચના કરવા માંગ કરવામાં આવી છે. પ્લાન્ટને આપવામાં આવેલી પર્યાવરણ સંબંધિત મંજૂરીઓની વૈજ્ઞાનિક સમીક્ષા કરાવવા તેમજ નિયમોના ભંગની સ્થિતિમાં જરૂરી કાર્યવાહી કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.
પ્લાન્ટથી અસરગ્રસ્ત નાગરિકો માટે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવા, જરૂરી સુરક્ષા ઉપાયો ઉપલબ્ધ કરાવવા અને જો જવાબદારી નક્કી થાય તો યોગ્ય વળતર અંગે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ ચાલી રહેલા વિવિધ કેસોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને કેસ નં. 1998/2021માં કંપની દ્વારા વીજળીના ભાવમાં વધારો કરવાની કરાયેલી માંગનો ઉલ્લેખ કરી, જાહેર હિત અને સરકારને થનારા આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને આ મુદ્દે પણ જરૂરી હસ્તક્ષેપ કરવાની વિનંતી કરવામાં આવી છે.
રજૂઆતમાં જમીન ફાળવણી, સરકારી ખર્ચ, સબસિડી અને કરદાતાઓના નાણાંના ઉપયોગ સહિત સમગ્ર વ્યવસ્થાની પારદર્શક તપાસ થાય અને જો કંપનીના કરારભંગ કે બેદરકારીના કારણે સરકારને આર્થિક નુકસાન થયું હોય તો તેની ભરપાઈ અંગે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે.
સમગ્ર મામલે તાત્કાલિક અને પારદર્શક તપાસ કરી જવાબદારી નક્કી કરવામાં આવે તથા જામનગરના નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણના હિતમાં જરૂરી કડક પગલાં લેવામાં આવે તેવી રજૂઆતમાં રાજ્યપાલ સમક્ષ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.


