જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાં આવેલી ઓરડીમાંથી મેઘપર પોલીસે રેઇડ દરમ્યાન 84 બોટલ દારૂ અને 329 નંગ ચપલા સહિતના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગરમાં 150 ફૂટ રીંગરોડ પરથી પસાર થતાં બાઇક ચાલકને આંતરીને તલાશી લેતાં પોલીસે 17 બોટલ દારૂ સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં આવેલા આંબાવાડી વિસ્તારમાં રૂમમાં રહેતાં વિમલ વિનુ પરમાર (ઉ.વ.28) નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે મેઘપર પોલીસે રેઇડ દરમ્યાન તલાશી લેતાં ઓરડીમાંથી રૂા.42 હજારની કિંમતની 84 નંગ ઇંગ્લીશ દારૂની બોટલો અને રૂા.49,350ની કિંમતના 329 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતા પોલીસે 5 હજારની કિંમતનો મોબાઇલ ફોન અને દારૂ તથા ચપલા સહિત કુલ રૂા.96,350 ના મુદ્દામાલ સાથે વિમલને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો મોરબીના કરણ વિકાણી દ્વારા સપ્લાય કરાયાની કેફીયતના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર શહેરના 150 ફૂટ રીંગરોડ પર નયારા પેટ્રોલપંપ પાસેથી પસાર થતાં જીજે10 ડીસી 0287 નંબરના બાઇકચાલકને આંતરીને સીટી સી ડિવીઝન પોલીસ સ્ટાફે વિજયસિંહ લાલુભા વાળા (ઉ.વ.42) નામના શખ્સની તલાશી લેતાં તેની પાસેથી રૂા.16,813ની કિંમતની 17 બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવતાં પોલીસે 30,000 ની કિંમતનું બાઇક અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.46,813ના મુદ્દામાલ સાથે વિજયસિંહની ધરપકડ કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


