જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં ઘર પાસે કચરો નાખવાની બાબતે સમજાવવા ગયેલા મહિલા, માતા અને પુત્રી ઉપર બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ જામનગર તાલુકામાં ધુંવાવ ગામમાં રૂપારેલ સોસાયટીમાં રહેતા નિર્મળાબેન દયાળજીભાઇ (ઉ.વ.35) નામના મહિલાના ઘરની બાજુમાં બ્રાસપાર્ટનું કારખાનુ આવેલ હોય અને કારખાનેદાર બાલકૃષ્ણ પરમાર દ્વારા ગુરૂવારે બપોરના સમયે મહિલાના ઘર પાસે હેઠવાડનો કચરો ફેંકયો હતો જેથી મહિલા આ બાબતે કારખાનેદારને ઘર પાસે કચરો નાખવાની ના પાડતા કારખાનેદાર બાલકૃષ્ણ રઘુ પરમાર અને હસમુખ બચુ પરમાર નામના બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી મહિલાને ઇજા પહોંચાડી હતી. તેમજ બન્ને શખ્સોએ મહિલાની પુત્રી ભૂમિકાને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. કારખાનેદાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા માતા-પુત્રીને હોસ્5િટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. એચ.જી. જાડેજા તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે બે શખ્સો વિરૂઘ્ધ ગુન્હો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


