જામનગરના સ્વામિનારાયણ ગુરુકુળ, એરફોર્સ રોડ ખાતે દિવ્યાંગજનોને જરૂરી સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિશેષ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા એલિમકો (ALIMCO)ના સહયોગથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જામનગર દ્વારા આ કેમ્પ યોજાયો હતો.
કેમ્પમાં જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી 160થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નોંધણી કરાવી હતી. દિવ્યાંગજનોની વ્યક્તિગત જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમને કયા પ્રકારના સહાયક સાધનની જરૂર છે તેનું નિષ્ણાત ટીમ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન નિષ્ણાત ડૉક્ટરો અને ટેકનિકલ ટીમ દ્વારા લાભાર્થીઓની શારીરિક જરૂરિયાત મુજબ વિગતવાર એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અકસ્માત અથવા અન્ય કારણોસર હાથ-પગ ગુમાવનાર દિવ્યાંગજનો માટે કૃત્રિમ અંગોની જરૂરિયાતનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જરૂરિયાત મુજબ આર્ટિફિશિયલ લિમ્બ્સ એટલે કે કૃત્રિમ હાથ-પગ, કેલિપર્સ, મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ, જોયસ્ટિક વ્હીલચેર સહિતના વિવિધ સહાયક સાધનો માટે લાભાર્થીઓના માપ લેવામાં આવ્યા હતા. એસેસમેન્ટ પૂર્ણ થયા બાદ યોગ્ય લાભાર્થીઓને આગામી સમયમાં જરૂરી સાધનોનું વિતરણ કરવામાં આવશે.
View this post on Instagram
આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગજનોને તેમની જરૂરિયાત મુજબ આધુનિક અને ઉપયોગી સહાયક સાધનો ઉપલબ્ધ કરાવી તેમની દૈનિક જીવનની મુશ્કેલીઓ ઘટાડવાનો અને તેમને વધુ સ્વાવલંબી બનાવવાનો રહ્યો હતો.
કેમ્પમાં દિવ્યાંગ લાભાર્થીઓને જરૂરી દસ્તાવેજો સાથે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરાવવામાં આવી હતી. જેમાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, યુડીઆઈડી કાર્ડ, આધારકાર્ડની નકલ, પાસપોર્ટ સાઇઝ ફોટો તથા આવકના દાખલા સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.
સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયેલા આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો જોડાતા સમગ્ર આયોજન દિવ્યાંગ કલ્યાણ અને સહાયના હેતુને સાર્થક કરતું બન્યું હતું. નિષ્ણાત ટીમ દ્વારા સ્થળ પર જ જરૂરી માપ અને મૂલ્યાંકન કરવામાં આવતા લાભાર્થીઓને સહાય મેળવવા માટેની પ્રક્રિયામાં સરળતા રહી હતી.


