સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી સાથેનું શિક્ષણ મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા ડિજિટલ શિક્ષણના પ્રયાસો હવે જામનગરમાં પણ અસરકારક બની રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ, લેપટોપ, પ્રોજેક્ટર, શૈક્ષણિક સોફ્ટવેર અને વીડિયો આધારિત અભ્યાસક્રમની સુવિધાઓ ઉપલબ્ધ થતાં પરંપરાગત બ્લેકબોર્ડથી આગળ વધીને વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વધુ સરળ, રસપ્રદ અને દ્રશ્ય-શ્રાવ્ય બન્યું છે. હાલમાં આ આધુનિક શિક્ષણ પદ્ધતિનો લાભ જામનગરની શાળાઓમાં અભ્યાસ કરતા આશરે ૧૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે.
રાજ્ય સરકારના ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ પ્રોજેક્ટ અંતર્ગત જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની મોટાભાગની શાળાઓને આવરી લેવામાં આવી છે. વર્ગખંડોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા ઉપલબ્ધ થતાં વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકના આધારે અભ્યાસ કરાવવાને બદલે વિવિધ દ્રશ્યો, વીડિયો અને ડિજિટલ સામગ્રીના માધ્યમથી વિષય સમજાવવામાં આવે છે. ખાસ કરીને અઘરા અને જટિલ મુદ્દાઓને દ્રશ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવતા બાળકો માટે તેને સમજવું અને લાંબા સમય સુધી યાદ રાખવું સરળ બન્યું છે.
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ ૪૪ શાળાઓ પૈકી ૩૯ શાળાઓમાં રાજ્ય સરકારના ‘જ્ઞાનકુંજ’ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવ્યો છે. ધોરણ ૬થી ૮ના કુલ ૧૪૧ વર્ગખંડોમાં આ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર દ્વારા આ માટે જરૂરી આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
એક જ્ઞાનકુંજ વર્ગ માટે આશરે રૂ.૮૫,૧૯૭નો ખર્ચ થાય છે, જ્યારે ૧૪૧ વર્ગખંડ માટે કુલ રૂ.૧,૨૦,૧૨,૭૭૭નો ખર્ચ કરવામાં આવ્યો છે. લેપટોપ, ઇન્ટરેક્ટિવ પેનલ અને તેની સાથે જોડાયેલા શૈક્ષણિક સોફ્ટવેરની મદદથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના વિવિધ વિષયોનું ડિજિટલ માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે.
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ માત્ર સાધનો પૂરતો મર્યાદિત ન રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ૩૯ શાળામાંથી શાળા દીઠ એક શિક્ષકને માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ આપવામાં આવી છે. જેના કારણે શિક્ષકોને ડિજિટલ સાધનોનો અસરકારક ઉપયોગ કરીને વર્ગખંડમાં અભ્યાસ કરાવવાની પદ્ધતિ અંગે તાલીમ મળી છે. પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવેલા સંસાધનો માટે પાંચ વર્ષનો વોરંટી પિરિયડ પણ રાખવામાં આવ્યો છે.
જામનગરની સાત શાળાઓમાં આઈસીટી લેબની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. આ લેબમાં ડેસ્કટોપ કમ્પ્યુટર, વેબકેમેરા, હેડફોન સહિતના વિવિધ સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. શાળા દીઠ આશરે રૂ.૬,૦૫,૯૭૦ના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ સુવિધા માટે કુલ રૂ.૪૨,૪૧,૭૯૦નો ખર્ચ કરવામાં આવ્યો છે. આઈસીટી લેબના માધ્યમથી વિદ્યાર્થીઓને કમ્પ્યુટર અને ડિજિટલ ટેકનોલોજીનો પ્રાથમિક પરિચય મળે છે અને અભ્યાસ સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તક મળે છે.
જામનગર કોર્પોરેશન શાળા નંબર-૧ ખાતે શિક્ષિકા દીપ્તિબેન વસાણીના જણાવ્યા મુજબ, અગાઉ શિક્ષણ માટે મુખ્યત્વે બ્લેકબોર્ડ અને પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ થતો હતો. હવે સ્માર્ટ ટીવી, ઇન્ટરનેટ, ડિજિટલ સામગ્રી અને શૈક્ષણિક વીડિયોના ઉપયોગથી વર્ગખંડનું વાતાવરણ બદલાયું છે. વિદ્યાર્થીઓ કોઈ વિષયને માત્ર સાંભળતા નથી, પરંતુ તેને સ્ક્રીન પર જોઈને પણ સમજે છે, જેના કારણે અભ્યાસ વધુ રસપ્રદ બન્યો છે.
સરકારની જી-શાળા એપ અને શૈક્ષણિક વીડિયોના ઉપયોગથી વિદ્યાર્થીઓને એક જ વિષયનું વારંવાર પુનરાવર્તન કરવાની તક પણ મળે છે. શાળામાં શીખવવામાં આવેલી બાબતોનું ઘરે બેઠા પુનરાવર્તન કરી શકાય છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં સ્વ-અભ્યાસની ટેવ વિકસાવવામાં પણ ડિજિટલ શિક્ષણ મદદરૂપ બની રહ્યું છે.
સ્માર્ટ ક્લાસનો લાભ લઈ રહેલા વિદ્યાર્થીઓના અનુભવમાં પણ આ બદલાવ સ્પષ્ટ જોવા મળે છે. ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મોહમ્મદ કુંજારીયા અરવિંદભાઈના જણાવ્યા મુજબ, અગાઉ બ્લેકબોર્ડ પર અભ્યાસ કરવામાં આવતો હતો, જ્યારે હવે સ્માર્ટ બોર્ડ પર ભણાવવામાં આવતા કોઈપણ વિષય કે પાઠને વધુ સરળતાથી સમજવામાં મદદ મળે છે. શાળામાં ગેરહાજર રહેવાના સંજોગોમાં પણ ઉપલબ્ધ ડિજિટલ સામગ્રી અને વીડિયો મારફતે અભ્યાસનું પુનરાવર્તન કરી શકાય છે.
શાળા નંબર-૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલી કુરેશી હુસેનભાઈએ પણ સ્માર્ટ ક્લાસની સુવિધાને આવકારી હતી. તેમના જણાવ્યા મુજબ ડિજિટલ માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવતા બાળકોમાં ભણતર પ્રત્યે ઉત્સાહ વધ્યો છે અને મોબાઇલનો યોગ્ય ઉપયોગ કરીને હોમવર્ક તથા અભ્યાસ સંબંધિત સામગ્રી શોધવાની ટેવ પણ વિકસી રહી છે.
આ રીતે જામનગરની સરકારી શાળાઓમાં ટેકનોલોજી આધારિત શિક્ષણના વિસ્તરણથી વર્ગખંડમાં શિક્ષણની પદ્ધતિમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. એક તરફ સ્માર્ટ ક્લાસ અને જ્ઞાનકુંજ જેવા પ્રોજેક્ટથી શિક્ષકો માટે વિષયને સરળતાથી સમજાવવાનું શક્ય બન્યું છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓ માટે જોઈને, સાંભળીને અને ડિજિટલ સામગ્રીના માધ્યમથી શીખવાની નવી તક ઊભી થઈ છે. રાજ્ય સરકાર, સમગ્ર શિક્ષા અભિયાન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રયાસોથી સરકારી શાળાઓમાં ડિજિટલ શિક્ષણને વધુ વ્યાપક બનાવવાની દિશામાં કામગીરી આગળ વધી રહી છે.


