ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં દારૂની ખુલ્લેઆમ હેરાફેરી થતી હોવાના આક્ષેપો કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી હતી. વાયરલ વીડિયોમાં એક યુવક હાથમાં દારૂનો ગ્લાસ લઈને દારૂની ચુસ્કી લેતો જોવા મળ્યો હતો. સાથે યુવકે શંકરટેકરી વિસ્તારમાં દારૂ સરળતાથી મળતો હોવાના આક્ષેપો કર્યા હતા.
વાયરલ વીડિયોમાં યુવકે પોલીસની કામગીરી સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. શંકરટેકરી વિસ્તારમાં દારૂ મળતો હોવાનો દાવો કરવાની સાથે પોલીસ કર્મચારીઓ હપ્તા લેતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં વીડિયો ઝડપથી વાયરલ થતાં સમગ્ર મામલો પોલીસ તંત્રના ધ્યાને આવ્યો હતો.
વાયરલ વીડિયાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન જામનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે શંકરટેકરી નવી નિશાળ પાસે રહેતા સદામહુશેન આદમભાઈ ખીરાના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસની તપાસ દરમિયાન રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના ચપટા નંગ-13 મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ.1,755 હોવાનું જાણવા મળ્યું છે.
View this post on Instagram
આ ઉપરાંત સ્થળ પરથી રૂ.2,000ની કિંમતનો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. આમ પોલીસે દારૂના જથ્થા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.3,755નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહીમાં એલસીબી દ્વારા સદામહુશેન આદમભાઈ ખીરાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો લેવા આવનાર તરીકે જતીનભાઈ દામા, રહે. શંકરટેકરી, જામનગરનું નામ સામે આવ્યું છે. જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર તરીકે દીપ સોંદરવા, રહે. શંકરટેકરી સિદ્ધાર્થ કોલોની, જામનગરનું નામ સામે આવ્યું છે.
દારૂનો જથ્થો લેવા આવનાર તેમજ દારૂ સપ્લાય કરનાર બંને શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર પ્રકરણમાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
એક તરફ સોશિયલ મીડિયામાં શંકરટેકરી વિસ્તારમાં દારૂ મળતો હોવાના આક્ષેપો કરતો વીડિયો વાયરલ થયો અને બીજી તરફ એલસીબી દ્વારા આ જ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.


