જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતાં યુવાન ઉપર પ્રેમલગ્નનો ખાર રાખી સાળા સહિતના પાંચ શખ્સોએ આંખમાં સ્પ્રે છાંટી, લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરતાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં સાઇબાબાના મંદિર પાછળ રહેતો અને ડ્રાઇવિંગ કરતો પાર્થ રાજેશભાઇ સોલંકી (ઉ.વ.25) નામનો યુવાન બુધવારે રાત્રિના દસ વાગ્યાના અરસામાં તેના ઘરની બહાર મિત્રો સાથે બેઠો હતો. તે દરમ્યાન મયૂરસિંહ સંજયસિંહ જાડેજા, ઇન્દ્રજિતસિંહ ગોહિલ ઉર્ફે પેથો, નવલો માજોઠી અને શબ્બીર ઉર્ફે શબલો બેબો તથા યશ ભાનુશાળી નામના પાંચ શખ્સો જુદા જુદા બાઇક પર ધસી આવ્યા હતા. પાર્થ તથા તેના મિત્રોની આંખમાં સ્પ્રે છાંટી દીધો હતો. ત્યારબાદ લોખંડના પાઇપ અને છરી વડે આડેધડ ઘા ઝિંકી હુમલો કર્યો હતો. પાંચ શખ્સો દ્વારા પાઇપ, છરી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા પાર્થ સોલંકીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ આર.બી. ઠાકોર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ પાર્થના નિવેદનના આધારે તેના સાળા સહિમતના પાંચ શખ્સો વિરૂદ્ધ જીવલેણ હુમલો અને રાયોટીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


