જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની લેબોરેટરીએ મેડિકલ તપાસના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલની લેબોરેટરીને કુલ 160 વિવિધ ટેસ્ટ માટે વર્ષ 2030 સુધી NABL એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે.
એકસાથે 160 ટેસ્ટને NABLના કાર્યક્ષેત્રમાં આવરી લેવામાં આવ્યા હોવાની આ સિદ્ધિ ગુજરાતની સરકારી આરોગ્ય સંસ્થાઓમાં મહત્વપૂર્ણ અને રેકોર્ડબ્રેકિંગ સિદ્ધિ તરીકે સામે આવી છે.
View this post on Instagram
આ વખતે લેબોરેટરીના NABL એક્રેડિટેશનના સ્કોપમાં નોંધપાત્ર વિસ્તરણ કરવામાં આવ્યું છે. અગાઉની સરખામણીએ અનેક નવી અને મહત્વપૂર્ણ તપાસોને પણ NABLના કાર્યક્ષેત્રમાં સામેલ કરવામાં આવી છે.
ખાસ કરીને IHC (ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી) જેવી વિશિષ્ટ અને મહત્વપૂર્ણ તપાસને પણ NABLના સ્કોપ હેઠળ આવરી લેવામાં આવી છે. જેના કારણે દર્દીઓને વધુ ગુણવત્તાસભર અને વિશ્વસનીય મેડિકલ તપાસની સુવિધા મળવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
આ સિદ્ધિ અંગે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. વિજય પોપટ, જેઓ લેબ ડાયરેક્ટર અને પેથોલોજી વિભાગના વડા તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે, તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
ડૉ. વિજય પોપટે આ સિદ્ધિ માટે પેથોલોજી, માઇક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી વિભાગની ટીમ, NABL ટીમ, યોગદાન આપનાર તમામ ફેકલ્ટી સભ્યો તેમજ રેસિડેન્ટ ડૉક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ટીમની સતત મહેનત, સંકલિત કામગીરી, ગુણવત્તાના ઉચ્ચ માપદંડોનું પાલન અને તપાસ પ્રક્રિયામાં ચોકસાઈ જાળવવાના પ્રયાસોના પરિણામે આ મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ થયો છે.
NABL એક્રેડિટેશન લેબોરેટરીમાં કરવામાં આવતી તપાસોની ગુણવત્તા, ચોકસાઈ અને વિશ્વસનીયતાના માપદંડોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2030 સુધી મળેલી આ માન્યતા સાથે GG હોસ્પિટલની લેબોરેટરી સેવાઓને વધુ મજબૂતી મળશે.
પેથોલોજી, માઇક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી વિભાગની સંયુક્ત મહેનતથી પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ માટે ગૌરવપૂર્ણ બની છે.


