જામનગર શહેરના ગોકુલનગર જકાત નાકા પાસે સોહમનગર સોસાયટીમાં મહાકાળી ફરસાણની દુકાન પાસે રહેતી મહિલા દ્વારા બહારથી માણસો બોલાવી તેના ઘરે તીનપતીનો જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન આઠ મહિલા અને વિજય વસંતભાઇ ગોસ્વામી, હરજીતસિંહ ચંદુભા ચુડાસમા, રવિ વનરાજ પારેજિયા, દેવશી રમેશ લીંબડ મળી કુલ 12 શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂપિયા 1,00,900ની રોકડ રકમ અને ગંજીપના તથા ઇલેકટ્રીક બિલ અને રૂા. 50 હજારની કિંમતના આઠ મોબાઇલ તેમજ રૂા. 50 હજારની કિંમતનું જીજે10 ઇજી 7195 નંબરનું જ્યુપીટર મળી કુલ રૂપિયા 2,00,900નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામજોધપુર તાલુકાના કોટડા બાવિસી ગામમાં ટોલની ધાર નદીના કાંઠે જાહેરમાં જુગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન મહેન્દ્ર ઉર્ફે જીગો વિઠ્ઠલ વરાણિયા, રાજેશ ખીમજી જોષી, પ્રવીણ કારા શિલુ, અજય લાલજી દવે, અશ્વિન જમન કણસાગરા, અજય મુકેશ પંચાસરા સહિતના 6 શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂપિયા 13,500ની રોકડ રકમ અને રૂા. 85 હજારની કિંમતનું જીજે01 એસએમ 3634 નંબરનું બૂલેટ મળી કુલ રૂા. 98,500નો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામનગર શહેરના મયૂરનગર, ત્રણ માળિયા વામ્બે આવાસના પાછળના ભાગમાં જાહેરમાં સિક્કા ઉછાળી જુગાર રમાતા સ્થળે સિટી ‘સી’ ડિવિઝન પોલીસે રવજી નારણ વાઘોણા, ઇસ્માઇલ સિદિક બુઢાણી, દિવ્યેશ અનિલ મકવાણા, કલ્પેશ બાલમુકુંદ પંડયા નામના ચાર શખ્સોને રૂપિયા 12,001ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુનો નોંધી નાશી ગયેલા લાખો ગઢવી અને સાજણ ઉર્ફે મુનો ગઢવી સહિતના 6 શખ્સો વિરૂદ્ધ આગળની કાર્યવાહી આદરી હતી.
ચોથો દરોડો લાલપુર ગામમાં આવેલા ખારાના તળાવની બાજુમાં બાવળની ઝાડીમાં તીનપતી રમતાં ભાવેશ નારણ કગથરા, જામસિંહ ભુપતસિંહ જાડેજા, કિશોર દાના ચાવડા, દેવેન્દ્રગિરિ રણછોડગિરિ ગોસ્વામી સહિતના ચાર શખ્સોને લાલપુર પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 10,020ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં નિલેશ નામનો શખ્સ નાશી ગયો હોય જેના આધારે પોલીસે 6 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


