જામનગર શહેરમાં ‘દ્રશ્યમ’ ફિલ્મની યાદ અપાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંચ ’બી’ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષથી ગુમ રહેલા યુવાનની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી પતિને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યારબાદ મૃતદેહને દરેડ GIDC વિસ્તારમાં 12 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધો હતો.
આ અંગેની વિગત મુજબ મૃતકના ભાઈ અશોક ધર્મિષ્ઠભાઈ માવદિયાએ 26 જુલાઈ, 2026ના રોજ પંચ ‘બી’ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને પોતાના ભાઈ જીજ્ઞેશ માવદિયા છેલ્લા બે વર્ષથી ગુમ હોવાની અને તેમની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી.
પરિવારજનો જ્યારે પણ જીજ્ઞેશ વિશે પૂછપરછ કરતા ત્યારે પત્ની પૃથ્વી તેમને ઓસ્ટ્રેલિયા ગયા હોવાનું અને ત્યાં કામ કરતી કંપનીમાં ફોન પર વાત કરવાની મંજૂરી ન હોવાનું કહી ગેરમાર્ગે દોરતી હતી. જો કે, પરિવારના એક સભ્યના ઓસ્ટ્રેલિયા જવાના પ્રસંગે જીજ્ઞેશનું સરનામું અને સંપર્ક નંબર માંગવામાં આવતા સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો હતો. પોલીસ કાર્યવાહીની આશંકા વચ્ચે પત્નીએ આખરે હત્યાની કબૂલાત કરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, પૃથ્વીના લગ્ન પહેલાંથી નિલેશ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા અને લગ્ન બાદ પણ બંને સંપર્કમાં રહ્યા હતા. બંનેએ મળીને જીજ્ઞેશના દારૂમાં સાઇનાઇડ ભેળવી તેની હત્યા કરી હતી. ત્યારબાદ દરેડ જીઆઇડીસીવિસ્તારમાં આવેલા એક કારખાનામાં અંદાજે 12 ફૂટ ઊંડો ખાડો ખોદી મૃતદેહ દાટી દેવામાં આવ્યો હતો.
હાલ પંચ ‘બી’ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. તેમની નિશાનદેહી મુજબ દરેડ GIDC ખાતે જ્યાં આરોપીઓએ મૃતદેહને દાટયો છે ત્યાં ખોદકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતદેહના અવશેષો શોધવા સહિતની વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી ચાલુ છે.


