Tuesday, July 28, 2026
Homeરાજ્યજામનગરપ્રતિષ્ઠિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પર પેપર લીકના આક્ષેપોથી સવાલોની ઝડી - VIDEO

પ્રતિષ્ઠિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પર પેપર લીકના આક્ષેપોથી સવાલોની ઝડી – VIDEO

તપાસ સમિતિના રચના, હવે તપાસના પરિણામ પર સૌની નજર

આયુર્વેદ શિક્ષણ ક્ષેત્રમાં દેશ-વિદેશમાં આગવી ઓળખ ધરાવતી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એક વખત ફરી વિવાદોના વમળમાં સપડાઈ છે. BAMS ત્રીજા વર્ષની શલ્યતંત્ર–૧ (સર્જરી) વિષયની પરીક્ષા બાદ સોશિયલ મીડિયામાં પ્રશ્નપત્રને મળતું આવતું મટિરિયલ વાયરલ થતાં સમગ્ર ઘટનાએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. ઘટનાની ગંભીરતા એટલી હતી કે યુનિવર્સિટી તંત્રને મોડી રાત્રે પત્રકારોને બોલાવી સમગ્ર મામલે ખુલાસો કરવાની ફરજ પડી હતી.

- Advertisement -

સવાલ માત્ર એટલો નથી કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું મટિરિયલ ખરેખર પ્રશ્નપત્ર હતું કે નહીં. સૌથી મોટો સવાલ એ છે કે આવી શંકા ઉભી થાય તેવી પરિસ્થિતિ જ કેમ સર્જાઈ? પરીક્ષા જેવી અતિ સંવેદનશીલ પ્રક્રિયામાં ગોપનીયતા જાળવવાની જવાબદારી કોની હતી? સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી રહી હતી કે નહીં? આવા અનેક પ્રશ્નો હવે ચર્ચાના કેન્દ્રમાં છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વર્ષોથી આયુર્વેદ શિક્ષણમાં શ્રેષ્ઠ સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે. આવી પ્રતિષ્ઠિત સંસ્થાનું નામ પેપર લીક જેવા ગંભીર આક્ષેપો સાથે જોડાય, તે માત્ર યુનિવર્સિટી માટે જ નહીં પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થા માટે પણ ચિંતાનો વિષય છે.

- Advertisement -

ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી ના ઇન્ચાર્જ કુલપતિ નરેશકુમાર જૈન મોડી રાત્રે સમગ્ર મામલે ખુલાસો કરતા સ્પષ્ટ કર્યું કે આ મામલાને ધ્યાને લઈને હાલ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જો તપાસ બાદ પોતાનો રિપોર્ટ આપ્યા પછી આગળની કાર્યવાહી કરાશે. ઘટના સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ ત્રણ સભ્યોની ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થશે અને જો કોઈ વિદ્યાર્થી, કર્મચારી કે શિક્ષકની સંડોવણી સામે આવશે તો યુનિવર્સિટીના નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાશે તો પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.

જોકે માત્ર તપાસ સમિતિની જાહેરાતથી જ તમામ પ્રશ્નોના જવાબ મળી જતા નથી. વિદ્યાર્થીઓમાં ચર્ચા છે કે જો પરીક્ષા વ્યવસ્થા સંપૂર્ણ સુરક્ષિત હતી તો સોશિયલ મીડિયામાં પ્રશ્નપત્રને મળતું આવતું મટિરિયલ કેવી રીતે પહોંચ્યું? જો તે માત્ર અફવા હતી તો તેને સમયસર ખોટી સાબિત કરવા માટે અસરકારક માહિતી કેમ આપવામાં આવી નહીં? અને જો કોઈ સ્તરે ખરેખર બેદરકારી થઈ હોય તો તેની જવાબદારી કોણ સ્વીકારશે?

- Advertisement -

વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થાની સૌથી મોટી જવાબદારી હોય છે. વર્ષભરની મહેનત બાદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. આવી સ્થિતિમાં પેપર લીક જેવી ચર્ચાઓ માત્ર પરીક્ષા પ્રક્રિયા જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને પણ અસર પહોંચાડે છે. વાલીઓ માટે પણ આવી ઘટના ચિંતાજનક બની રહે છે.

શૈક્ષણિક નિષ્ણાતોનું પણ માનવું છે કે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વાસ જાળવવો અત્યંત જરૂરી છે. પ્રશ્નપત્ર તૈયાર કરવાથી લઈને તેની છપાઈ, સીલિંગ, પરિવહન, સંગ્રહ અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની સમગ્ર પ્રક્રિયામાં કડક સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ. જો આ સાંકળના કોઈપણ તબક્કે બેદરકારી થાય તો સમગ્ર પ્રક્રિયા શંકાના ઘેરામાં આવી જાય છે.

આ સમગ્ર ઘટનાએ એક મહત્વનો પ્રશ્ન પણ ઉભો કર્યો છે કે શું પરીક્ષા સુરક્ષાને લઈને હાલની વ્યવસ્થાની ફરી સમીક્ષા કરવાની જરૂર છે? શું ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરીને આવી ઘટનાઓ અટકાવી શકાય? શું જવાબદારી નક્કી કરવાની વ્યવસ્થા વધુ કડક હોવી જોઈએ? આવા પ્રશ્નોના જવાબ પણ હવે જરૂરી બની ગયા છે.

યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે તપાસ સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવામાં આવશે અને કોઈ પણ દોષિતને છોડવામાં આવશે નહીં. પરંતુ હવે વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર સમાજની નજર માત્ર આ નિવેદન પર નહીં, પરંતુ તપાસના અંતિમ પરિણામ અને તેના આધારે થનારી કાર્યવાહી પર છે.

એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા માટે સૌથી મોટી મૂડી તેની વિશ્વસનીયતા હોય છે. વર્ષો સુધી મહેનત કરીને ઉભી કરેલી પ્રતિષ્ઠા પર એક ઘટના પણ ગંભીર અસર કરી શકે છે. તેથી આ સમગ્ર મામલે માત્ર ઔપચારિક તપાસ પૂરતી નહીં, પરંતુ જો કોઈ બેદરકારી કે ગેરરીતિ સામે આવે તો પારદર્શક અને નિષ્પક્ષ કાર્યવાહી થવી એટલી જ જરૂરી છે.

હવે જોવાનું એ રહેશે કે તપાસ સમિતિનો અહેવાલ શું કહે છે, જવાબદારી કોની નક્કી થાય છે અને યુનિવર્સિટી આ ઘટનામાંથી શું શીખ લઈને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે કયા અસરકારક પગલાં ભરે છે. કારણ કે વિદ્યાર્થીઓનો વિશ્વાસ જ કોઈપણ શૈક્ષણિક સંસ્થાની સાચી ઓળખ અને સૌથી મોટી તાકાત હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular