જોડિયા તાલુકાના પીઠડ ગામમાં મહિલાનો ભત્રીજો વાડીએથી ગલુડિયો લઇ આવ્યાનો ખાર રાખી છ શખ્સોએ એકસંપ કરી ગાળાગાળી કરી પતાવી દેવાની ધમકી આપી લોખંડના પાઇપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતાં સલમાબેન ફૈઝાનભાઇ જુમાણી (ઉ.વ. 35) નામની મહિલાનો ભત્રીજો રેહાન રસિક સોઢાની વાડીએથી ગલુડિયુ લઇ આવ્યો હોય તે બાબતનો ખાર રાખી તા. 26ના રોજ બપોરના સમયે રસિક રામ સોઢિયા, અશોક રામ સોઢિયા, ચેતન રામ સોઢિયા, અંકિત બાબુ સોઢિયા, અર્જુન રસિક સોઢિયા, જયદીપ અશોક સોઢિયા નામના 6 શખ્સોએ એકસંપ કરી મહિલાના ઘરે જઇ મહિલા તથા તેના પરિવાર સાથે ગાળાગાળી કરી અને માથાકૂટ કરી પરિવારના સભ્યોને પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ મહિલાને લાત મારી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. તેમજ મહિલાની માતા રોશનબેનને ફડાકો ઝિંકી દીધો હતો. મહિલાની માતા અને ભાભી શહેનાઝબેનને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા ત્રણ મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. આ બનાવ અંગેની મહિલા સલમાબેન દ્વારા જાણ કરાતા પીએસઆઇ કે. ડી. જાડેજા તથા સ્ટાફે 6 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


