જામનગર જિલ્લાના ગાડુકા ગામની સીમમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા ચાર કિલો ગાંજા સાથે શખ્સની ધરપકડ કરી સિક્કા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.
દરોડાની વિગત મુજબ જામનગર જિલ્લાના ગાડુકા ગામની સીમમાં શખ્સ દ્વારા ગાંજાનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની બાતમીના આધારે ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચનાથી પીઆઇ આર. જી. બારોટ, પીએસઆઇ આર. બી. દેવમુરારી, હે.કો. અશ્ર્વિનભાઇ, સિદ્ધરાજસિંહ, લાખણશીભાઇ ભૂતિયા, પો.કો. સંજયભાઇ, નિલેશકુમાર તથા સ્ટાફ દ્વારા રેઇડ પાડવામાં આવી હતી. રેઇડ દરમ્યાન ટીમ દ્વારા ગાડુકા ગામના જુવાનસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.51) નામના શખ્સને આંતરીને તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 2,01,650ની કિંમતનો 4.033 કિ.ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે પાંચ હજારની કિંમતનો મોબાઇલ, પ્લાસ્ટીકનો ડબ્બો, 250 નંગ કાળા કલરના પ્લાસ્ટીકના ઝબલા તથા 500ની કિંમતનો ડિઝિટલ વજનકાંટો મળી કુલ રૂા. 2,07,450ની કિંમતનો મુદામાલ કબ્જે કરી જુવાનસિંહની ધરપકડ કરી તેના વિરૂદ્ધ સિક્કા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8(સી), 20(બી)(2)(બી) હેઠળ ગુનો નોંધી સિક્કા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો હતો. જેના આધારે સિક્કા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


