જામનગરના શંકર ટેકરીમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતાં યુવાનને મકાન લેવા માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી એક શખ્સે ગોલ્ડ ઉપર લોન લેવાની સલાહ આપી પોતાના નામે લોન લઇ લીધા બાદ યુવાને રૂપિયા પરત આપી દાગીનાની માંગણી કરતાં યુવાન પાસે રહેલી રૂા. 4200ની રકમ લૂંટી લીધાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના શંકર ટેકરી, શાસ્ત્રીનગર નવી નિશાળ પાસે રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા સલેમાન યુસુફભાઇ ખુરેશી (ઉ.વ.32) નામના યુવાનને મકાન લેવા માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી વસીમ ઉર્ફે બન્ટી હાજી ખફી નામના શખ્સે સલેમાનને સોના ઉપર લોન લેવાની સલાહ આપી વિશ્ર્વાસમાં લઇ સલેમાનને આઇટીઆઇ ગોલ્ડ લોન શાખામાંથી લોન માટે લઇ જઇ રૂા. 1,85,000ની લોન પોતાના નામે લઇ રૂપિયા યુવાનને આપ્યા હતા. ત્યારબાદ યુવાને રૂા. 1,85,000 ચુકવી દીધા છતાં વસીમ દાગીના પરત આપતો ન હતો. દરમ્યાન સલેમાન બાઇક પર દૂધ વેચવા માટે જતો હતો ત્યારે શુલભ શૌચાલય નજીક સાંજના સમયે વસીમે બાઇક પર આવી સલેમાનને આંતરી લીધો હતો. બોલાચાલી કરતાં સલેમાને દાગીનાની માંગણી કરતાં ઉશ્કેરાયેલા વસીમે યુવાનને ફડાકા ઝિંકી દાગીના બાબતે કોઇ માંગણી કરતો નહીં. નહીંતર જીવતો નહીં રહેવા દઉં. તેવી ધમકી આપી હતી.
ત્યારબાદ વસીમે મારે ચૂંટણીમાં ઉભો રહેવાનો ખર્ચ થયો છે તેમ કહી સલેમાનના ખીસ્સામાં રહેલી 500, 100 અને 50ના દરની ભારતીય ચલણની રૂા. 4200ની નોટો બળજકરીપૂર્વક લૂંટી લીધી હતી. ત્યારબાદ આ બનાવ અંગે સલેમાન દ્વારા જાણ કરાતા પીએસઆઇ એન. એમ. ઝાલા તથા સ્ટાફએ વસીમ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


