જામનગર શહેરમાં દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ તરફ ઓવરબ્રીજ પૂરો થતાં એસટી બસની આગળ જતાં ટ્રકને ઓવરટેક કરવા માટે બાઇક ચાલકે બસ આડે બાઇક રાખી બસચાલકને માર માર્યો હતો. ત્યારબાદ કારમાં આવેલા ચાર શખ્સોએ બાઇકચાલક સાથે મળી પથ્થરના ઘા ઝિંકી બસનો કાચ તોડી નાખ્યો હતો. આ બનાવમાં પોલીસે બાઇક ચાલક અને કારમાં આવેલા પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં વાલસુરા રોડ ઉપર એસએસબી કેમ્પની બાજુમાં વસવાટ કરતાં દિલીપભાઇ લખમણભાઇ બાબરિયા (ઉ.વ.39) નામના યુવાન તેની જીજે18 ઝેડ 9293 નંબરની જામનગર-દ્વારકા રૂટની એસટી બસ લઇને દિગ્જામ સર્કલથી આગળ ઓવરબ્રીજ પાસ કરતા હતા ત્યારે આગળ જતા ટ્રકને ઓવરટેક કરવા જતાં પાછળથી આવી રહેલા એક્સેસ બાઇક ચાલકે સતત હોર્ન મારી બસની આગળ બાઇક ઉભું રાખી બસચાલક સાથે ગેરવર્તન કરી માર માર્યો હતો. ત્યારબાદ થોડે આગળ જતાં જીજે10 ઇએચ 1986 નંબરની કારમાં આવેલા ચાર શખ્સોએ બસ પાસે આવીને બસના ચાલક દિલીપભાઇ સાથે ગાળાગાળી અને ઝઘડો કરી બાઇક ચાલક સાથે મળી માર માર્યો હતો. તેમજ ફરિયાદ કરીશ તો પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
ત્યારબાદ પાંચ શખ્સો પૈકીના એક શખ્સે પથ્થર મારી બસની આગળનો કાચ તોડી નાખ્યો હતો. બસ આંતરીને ચાલક ઉપર હુમલો કરતાં બસ ડ્રાઇવરને શરીરે ઇજા પહોંચતા ચક્કર આવી જવાથી જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ કે. એચ. ચાવડા તથા સ્ટાફએ બસચાલકના નિવેદનના આધારે અજાણ્યા બાઇક ચાલક તથા કારમાં આવેલા ચાર સહિતના પાંચ શખ્સો વિરૂદ્ધ એસટી બસ ડ્રાઇવરની ફરજમાં રૂકાવટ કરી બસનો કાચ તોડી નાખી ડ્રાઇવરને માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


