Thursday, June 4, 2026
Homeવિડિઓખંભાળિયામાં પશુનો આતંક, ખૂંટિયો બીજા માળે ચઢી ગયો...! - VIDEO

ખંભાળિયામાં પશુનો આતંક, ખૂંટિયો બીજા માળે ચઢી ગયો…! – VIDEO

ખંભાળિયા શહેરમાં રખડતા પશુઓનો પ્રશ્ન દિવસેને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોના કારણે વાહનચાલકો, વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓ સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે આજે બપોરે શહેરના શાકમાર્કેટ નજીક એક અનોખી અને ચિંતાજનક ઘટના બનતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

- Advertisement -

મળતી માહિતી મુજબ, શાકમાર્કેટ પાસે આવેલા વિસ્તારમાં એક રખડતો ખૂટિયો અચાનક એક રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો અને સીડી મારફતે મકાનના બીજા માળ સુધી પહોંચી ગયો હતો. એક વિશાળ પશુને મકાનના ઉપરના માળે જોઈ સ્થાનિકો આશ્ચર્યચકિત બની ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. ખૂટિયાને મકાનમાંથી બહાર કાઢવા અને પકડવા માટે નીચેના દુકાનદારોએ તાત્કાલિક નગરપાલિકા તંત્રને જાણ કરી હતી. જાણના આધારે નગરપાલિકાના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે, કર્મચારીઓ દ્વારા ખૂટિયાને પકડવાના પ્રયાસ દરમિયાન તે વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને ભૂરાટો થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ ઘટનાના કારણે વેપારીઓ, સ્થાનિક રહેવાસીઓ તેમજ રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને બાળકો અને મહિલાઓમાં ગભરાટ વધુ જોવા મળ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હોવાની માહિતી મળી છે, પરંતુ ઘટનાએ શહેરમાં રખડતા પશુઓના વધતા ત્રાસ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે ખંભાળિયા શહેરમાં અગાઉ પણ રખડતા પશુઓના કારણે અકસ્માતો તેમજ મૃત્યુના બનાવો બની ચૂક્યા છે. આવા સંજોગોમાં એક ખૂટિયો મકાનના બીજા માળ સુધી પહોંચી જવાની ઘટના લોકો માટે ચિંતાનો વિષય બની છે. સ્થાનિકોમાંથી નગરપાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને રખડતા પશુઓને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા માટે અસરકારક અને કાયમી કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
શહેરજનોનું માનવું છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં આવી ઘટનાઓ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. રખડતા પશુઓના પ્રશ્ને હવે માત્ર ટ્રાફિકની સમસ્યા નહીં પરંતુ લોકોની સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવતો મુદ્દો બની ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular