Monday, April 20, 2026
Homeરાજ્યહાલારદ્વારકામાં લારી રાખવા બાબતે યુવાન ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો

દ્વારકામાં લારી રાખવા બાબતે યુવાન ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો

ભડકેશ્વર મહાદેવ મંદિર પાસે ચણા વેચતા યુવાનને લમધાર્યો : યુવાને વિડિયો ઉતારતા શખ્સએ મોબાઇલ ઝૂંટવીને ફેંકી દીધો : સારવાર માટે દ્વારકાની હોસ્પિટલમાં ખસેડાયો : પોલીસ દ્વારા કાર્યવાહી

દ્વારકામાં એક મહાદેવના મંદિર પાસે ઊભા રહેતા લારીવાળાઓ સાથે લારી રાખવા બાબતે દ્વારકાના રહીશ ધવલ જટાણિયા સહિતના ત્રણ શખ્સોએ બઘડાટી બોલાવી, અહીં રહેલા બે વ્યક્તિઓને બેફામ માર મારી, દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા શ્યામભાઈ અલ્કેશભાઈ
સીમરીયા (ઉ.વ. 22) નામનાલોહાણા યુવાને દ્વારકાના ધવલ જટાણિયા, તેના ભાઈ જય જટાણિયા અને તેના માસીના દીકરા મનોજ સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે શુક્રવારે સાંજના સમયે દ્વારકામાં ભડકેશ્વર મહાદેવના મંદિર પાસે જઈને અહીં રહેલા દીપુભાઈ અવસ્તી તથા સચિનભાઈ ત્રિવેદી તેમની લારી રાખીને ઉભા હતા અને ચના વેચતા હતા, ત્યારે ધવલ જટાણિયા, તેનો ભાઈ જય અને માસીનો દીકરો મનોજ એમ ત્રણ શખ્સો અહીં આવ્યા હતા અને ધવલએ કહેલ કે “તને કોનો પાવર છે? અને તું કેમ બધાને લારી રાખવા માટે ભલામણો કરાવે છે?” તેમ કહી આ શખ્સો એ દીપુભાઈને આડેધડ માર માર્યો હતો. અહીં સાથે રહેલા સચિનભાઈ ત્રિવેદીએ મોબાઈલમાં વિડીયો ઉતારતા ધવલએ સચિનનો મોબાઈલ તેમના હાથમાંથી ઝૂંટવીને ફેંકી દીધો હતો અને ધવલએ સચિનને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો.

આ અંગેની જાણ કરવામાં આવતા દીપુભાઈના ભાઈ શિવમ્ અવસ્તી અને તેમના સાળા શ્યામભાઈ સિમરિયા અહીં આવ્યા હતા. જ્યાં તેઓએ ધવલને સમજાવવા જતાં તેણે કહેલ કે “તમારે બંનેને શું છે? મને ઓળખો છો હું કોણ છું? તમારે બંનેને દ્વારકામાં રહેવું છે ને?” તેમ કહી અને બંનેને બિભત્સ ગાળો કાઢી, ધવલે તેના હાથમાં પહેરેલું કડુ શ્યામભાઈ સીમરીયાને મોઢા ઉપર મારતા તેમને લોહી લોહાણ હાલતમાં દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

- Advertisement -

આમ, આ સમગ્ર બનાવમાં લારી રાખવા બાબતનો ખાર રાખી, ધવલ જટાણિયા, જય જટાણિયા અને મનોજ નામના ત્રણેય આરોપીઓએ દીપુભાઈ અને સચિનભાઈને બેફામ માર માર્યાની તથા સમજાવવા આવેલા શ્યામભાઈને પણ માર મારી, ઈજાઓ કરવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવ સંદર્ભે પોલીસે બી.એન.એસ.ની કલમ 118 (1), 115(2), 352 તથા 54 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. એલ.કે. કાગડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular