મહિલા અનામત કાયદામાં સુધારો કરતા ત્રણ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યા. આ બિલોમાં 2029થી લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામતનો પ્રસ્તાવ છે. આ હેતુ માટે ત્રણ દિવસનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. આજે પહેલો દિવસ છે.
ગૃહની બેઠક મળતાની સાથે જ વિપક્ષે સીમાંકન બિલનો વિરોધ કર્યો. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે સરકાર બંધારણ હાઈજેક કરી રહી છે. ડીએમકેના સાંસદો કાળા કપડા પહેરીને ગૃહમાં પહોંચ્યા હતા.
લોકસભામાં ભાજપ વતી કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ ચર્ચા શરૂ કરશે. ભાજપના સંસદસભ્યોમાં બાંસુરી સ્વરાજ, રક્ષા ખડસે, અપરાજિતા સારંગી, કંગના રનૌત અને ધર્મશિલા ગુપ્તા હશે. પીએમ મોદી આજે બપોરે 3 વાગે લોકસભામાં બોલે તેવી શક્યતા છે. સુધારા બિલમાં લોકસભા સાંસદોની સંખ્યા 850 કરવાનો પ્રસ્તાવ છે. વર્તમાન સંખ્યા 543 છે. રાજ્યોમાં 815 અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 35 સુધી બેઠકો હશે. બેઠકોની ચોક્કસ સંખ્યા નક્કી કરવા માટે સીમાંકન પણ કરવામાં આવશે. 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.બિલ પર 16, 17 અને 18 એપ્રિલે ચર્ચા થશે. પહેલા 2 દિવસ લોકસભામાં 18 કલાક ચર્ચા માટે નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યસભામાં 10 કલાક સુધી સુધારા બિલ પર ચર્ચા થશે.
ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ પોતાના સાંસદોને સંસદમાં હાજર રહેવા માટે વ્હીપ પણ જારી કર્યો છે. સરકારને બિલ પસાર કરાવવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. વિપક્ષ સીમાંકનનો વિરોધ કરી રહ્યો છે. આ કારણે ગૃહમાં હોબાળો થવાની શક્યતા છે. સંસદમાંથી મંજૂરી મળ્યા પછી આ કાયદો 31 માર્ચ 2029થી લાગુ થશે, અને તે જ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત પ્રભાવી થશે. વિપક્ષ સીમાંકન બિલનો વિરોધ કરી રહ્યું છે. ગૃહમાં હોબાળો થવાની શક્યતા છે. આ દરમિયાન, તમિલનાડુમાં, મુખ્યમંત્રી એમકે સ્ટાલિને બિલની કોપી સળગાવી. તેમની પાર્ટી, ડીએમકે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ બે બિલ રજૂ કરશે, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક બિલ રજૂ કરશે. આના પર ચર્ચા માટે 18 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ પછી રાજ્યસભામાં 10 કલાક ચર્ચા થશે. પીએમ મોદી આવતીકાલે જ ચર્ચા દરમિયાન પોતાની વાત રજૂ કરી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરી. તેમણે કહ્યું કે વિપક્ષ મહિલા અનામતની વિરુદ્ધ નથી પરંતુ લોકસભામાં બેઠકો વધારવાની વિરુદ્ધ છે. સમગ્ર વિપક્ષ સંસદમાં તેની વિરુદ્ધ મતદાન કરશે. બેઠકમાં રાહુલ ગાંધી અને ટીએમસી, આરજેડી, શિવસેના (યુબીટી), એનસીપી (શરદ જૂથ), આપના નેતાઓ સામેલ થયા.
આ ત્રણ બિલ રજૂ કરવામાં આવશે
બંધારણીય સુધારો બિલ 2026
લોકસભા અને વિધાનસભાઓમાં મહિલા અનામત લાગુ કરવા માટે એક નવું બંધારણીય સુધારો બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે. લોકસભા તેની બેઠકો 543 થી વધારીને 850 (રાજ્યોમાંથી 815 અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 35) કરવા માટે તૈયાર છે. સરકાર કલમ 81 અને 82માં સુધારો કરવા માંગે છે.
પહેલાં, નિયમ એવો હતો કે સીમાંકન 2026 પછીની પહેલી વસ્તી ગણતરીના આધારે કરવામાં આવશે. હવે, સરકાર આ શરતને દૂર કરવા માંગે છે અને 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરવાનો અધિકાર આપવા માંગે છે, જેથી કોઈ વિલંબ ન થાય અને 2029ની લોકસભા ચૂંટણી સુધીમાં તેનો અમલ થઈ શકે.
સીમાંકન બિલ શું છે?
સીમાંકન બિલ (2026) અનામત લાગુ કરવા માટેની પદ્ધતિઓ નક્કી કરશે. તે એક નવા સીમાંકન કમિશનની રચનાની જોગવાઈ કરે છે, જે બેઠકો માટે નવી સીમાઓ નક્કી કરશે. કમિશન નક્કી કરશે કે 850 બેઠકોમાંથી કઈ 273 (33%) બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. જો કે, બેઠકો ફાળવવાનું ફોમ્ર્યુલા સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. બિલ નક્કી કરશે કે દરેક ચૂંટણી પછી અનામત બેઠકો કેવી રીતે ફેરવવામાં આવશે જેથી દરેક પ્રદેશને ફાયદો થાય.
કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારા) બિલ, 2026
આ બિલ (સક્ષમ બિલ) દિલ્હી સહિત કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓ માટે છે. દિલ્હી, પુડુચેરી અને જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાઓમાં પણ 33% મહિલા અનામત લાગુ કરવામાં આવશે. દેશભરમાં અનામતનો સમાન અમલ સુનિશ્ચિત કરવા માટે આ ’ઈનેબલિંગ બિલ’ જરૂરી છે.


