જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતાં અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતાં યુવાનને ચાર વર્ષ પહેલાં એકબીજા સામે જોવાની બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી સોમવારે મદ્યરાત્રિના સમયે ચાર શખ્સોએ એકસંપ કરી પાર્ટી પ્લોટમાં પ્રવેશ કરી ધોકા અને પાઇપ વડે ઓફિસમાં તોડફોડ કરી ડીવીઆર ચોરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગાંધીનગરમાં પુનિતનગર, શેરી નંબર 2 માં આશાપુરા માતાજીના મંદિર પાસે રહેતા અને પાર્ટી પ્લોટ તથા મંડપ સર્વિસનો વ્યવસાય કરતાં પ્રદીપસિંહ ભનુભા ચુડાસમા (ઉ.વ.34) નામના વેપારી યુવાનને ચાર વર્ષ પૂર્વે કુલદીપસિંહ જાડેજા સાથે સામુ જોવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીનો ખાર રાખી સોમવારે મદ્યરાત્રિના સાડા ત્રણ વાગ્યાના અરસામાં ગાંધીનગર વિસ્તારમાં આવેલા પ્રદીપસિંહના આશાપુરા પાર્ટી પ્લોટમાં કુલદીપસિંહ લાલુભા જાડેજા, ક્રિપાલસિંહ રાણા, શક્તિસિંહ લાલુભા જાડેજા અને અજાણ્યા સહિતના ચાર શખ્સોએ પાર્ટી પ્લોટમાં પ્રવેશ કરી લાકડાના ધોકા, લોખંડના પાઇપ વડે પાર્ટીપ્લોટની ઓફિસમાં રાખેલું રૂા. 20 હજારની કિંમતનું ટીવી, રૂા. 12 હજારની કિંમતનું ફ્રીજ તેમજ રૂા. 25 હજારની કિંમતનું એર ક્ધડીશન તથા ઓફિસની બારીઓના રૂા. 20 હજારની કિંમતના કાચ તેમજ રૂા. 8 હજારની કિંમતના ચાર સીસીટીવી કેમેરા અને ચાર બારીના રૂા. 20 હજારની કિંમતના મળી કુલ રૂા. 1,05,000ના સામાનની તોડફોડ કરી નુકશાન કર્યું હતું. આ ઉપરાંત રૂા. 30 હજારની કિંમતનું સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગેની પ્રદીપસિંહ દ્વારા જાણ કરાતાં હે.કો. એચ. એમ. ગાગિયા તથા સ્ટાફએ ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


