જામનગર મહાનગરપાલિકામાં ઈન્ચાર્જ સિક્યુરિટી ઓફિસર સહિતના કર્મચારીઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી કર્મચારીઓ ફરજ નથી નિભાવતા. તેવું જુઠ્ઠું ફેલાવતો વિડિયો વાયરલ કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા જુદા જુદા કર્મચારીઓ અને અધિકારીઓના ટેકનિકલ યુનિયન નામના પ્રાદેશિક જૂથ સિવાયના મહાનગરપાલિકાના કર્મચારીઓના સમૂહની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદાથી જયદીપસિંહ ઉર્ફે ઝબ્બો ઉર્ફે મહાકાલ ઝાલા નામના શખ્સ દ્વારા વાયરલ કરાયેલા અપશબ્દોવાળા વિડિયોમાં કોઇપણ આધાર પુરાવા વગર મહાનગરપાલિકાના અધિકારી વિશે અભદ્ર ભાષામાં વાણીવિલાસ કરી, ખોટું અને અસત્ય બોલી વિડિયો પ્રસિદ્ધ કર્યો હતો અને આ વિડિયો દ્વારા મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી પ્રજામાં નફરત, દ્વેષ, અણગમાવાળી લાગણી જન્મે તેવી અફવા ફેલાવી હતી. તેમજ પ્રતિષ્ઠાને ઇજા કરી સાર્વજનિક બગાડ કરી-કરાવડાવવા માટે લોકોને ખોટી રીતે ગેરમાર્ગે દોરી મહાનગરપાલિકાના કર્મચારી અને અધિકારી ફરજ નિભાવતા નથી એવી અફવાઓ ફેલાવી વિસ્તારના નાગરિકોમાં જેએમસી કામ નથી કરતી તેવો ભય અને ચિંતા જન્માવી અને ડરાવી મહાનગરપાલિકાની સંસ્થાને નુકશાન થાય તેવું કૃત્ય આચરનાર વિરૂઘ્ધ ઇન્ચાર્જ સિક્યોરિટી ઓફિસર અનવરભાઇ ગજણ દ્વારા સિટી ‘બી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઇ છે. જેના આધારે એએસઆઇ એન. ડી. પરમાર તથા સ્ટાફએ જયદીપસિંહ વિરૂદ્ધ બીએનએસ કલમ 356(2), 353(2) અને 353(1)(બી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


