જામનગર શહેરના ઓવરબ્રીજ પર પૂરપાટ આવી રહેલા બાઇકએ સામેથી આવતાં બાઇકને ઠોકર મારતાં ચાલક યુવકનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. જ્યારે ઠોકર મારનાર ચાલક સહિતના બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગરમાં સેતાવાડ પાસે આવેલા હાજીપીર ચોકમાં રહેતો મોઇનુદ્દીન હુસેન સૈયદ બુખારી (ઉ.વ.20) નામનો યુવક મંગળવારે રાત્રિના બે વાગ્યાના અરસામાં તેના જીજે05 એલવી 7637 નંબરના કેટીએમ બાઇક પર ગુલાબનગર ઓવરબ્રીજ પરથી પસાર થતો હતો ત્યારે સામેથી પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા જીજે10 ઇજી 2735 નંબરના બાઇક ચાલકે સામેથી આવતાં યુવકના બાઇક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. જેમાં મોઇનુદીનને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ ઠોકર મારનાર બાઇકસવાર અને તેની પાછળ બેસેલા વ્યક્તિને નાની મોટી ઇજાઓ થઇ હતી. અકસ્માતમાં ઘવાયેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોઇનુંદ્દીનનું સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવ અંગે મૃતકના ભાઇ હૈદર હુસેન સૈયદ બુખારી દ્વારા જાણ કરાતા પીએસઆઇ એચ. વી. રોયલા તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


