જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની ચુંટણી આગામી સમયમાં ગમે ત્યારે જાહેર થઇ શકે છે જે પૂર્વે જામનગર મહાનગર પાલિકાના તમામ 16 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી પ્રસિઘ્ધ કરવામાં આવી છે. જેમાં જામનગરમાં કુલ 4,42,841 મતદારો છે. કુલ 412 મતદાર મથકો યાદીમાં દર્શાવાયા છે. આ મતદાર યાદી શહેરીજનો માટે ચુંટણી અધિકારી અને કલેકટર કચેરી, મહાનગરપાલિકા સેક્રેટરી કાર્યાલય, જનસંપર્ક શાખા, તળાવની પાળ જિલ્લા લાયબ્રેરી, રણજીત રોડ દયારામ લાયબ્રેરી ખાતે તેમજ સબંધીત વોર્ડની વોર્ડ ઓફીસ ખાતે મુકવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણીની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે શહેરના 1 થી 16 વોર્ડ માટે પ્રાથમિક મતદાર યાદી પ્રસિઘ્ધ થઇ ચૂકી છે. જામનગરના 16 વોર્ડમાં 2,27,327 પુરૂષ મતદારો, 2,15,465 સ્ત્રી મતદારો સહિત કુલ 4,42,841 મતદારો પ્રાથમિક મતદાર યાદીમાં જાહેર થયા છે. જામનગરમાં કુલ 412 મતદાર મથકો છે. સૌથી વધુ મતદારો વોર્ડ નં.12માં 35,740 તથા સૌથી ઓછા વોર્ડ નં.9માં 20,993 મતદારો છે.
મહાનગરપાલિકા-જામનગર સામાન્ય ચૂંટણી 2026



