જામનગરના પટેલ કોલોની શેરી નંબર પાંચમાં સબ-વે નજીક રાત્રિના સમયે મિત્રને મળવા ગયેલા યુવાન ઉપર બે શખ્સોએ, “તને અહીં આવવાની ના પાડી હતી. તો’ય કેમ આવ્યો?” તેમ કહી યુવાનને ટાંટિયા ભાંગી નાખવાની અને ફરિયાદ કરીશ તો પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં ઘણા સમયથી લુખ્ખાગીરી દિવસે દિવસે વધતી જાય છે. આ વિસ્તારમાં 24 કલાક લુખ્ખા તત્ત્વો અડિંગો જમાવી બેઠા હોય છે. અમુક શેરીમાં તો મહેફિલો પણ ચાલતી હોવાનું જાણવા મળે છે. ઉપરાંત પટેલ કોલોની વિસ્તારમાં અડિંગો જમાવી બેસેલા લુખ્ખા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાની લોકમાંગણી ઉઠી રહી છે. દરમ્યાન પટેલ કોલોની શેરી નંબર 6માં રહેતો જીત શૈલેષભાઇ ભોજાણી નામનો યુવાન મંગળવારે રાત્રિના સમયે પટેલ કોલોનીની શેરી નંબર પાંચમાં સબ-વે પાસે તેના મિત્રને મળવા ગયો હતો ત્યારે ધર્મરાજ અને કુલદીપ નામના બે શખ્સોએ જીતને કહ્યું કે, “તું અહીં શું કામ આવ્યો છે? તને અહીં આવવાની ના પાડી છેને? તેથી જીતે કહ્યું કે હું મારા મિત્રને મળવા આવ્યો હતો. તેમ કહેતા બન્ને શખ્સોએ જીતના ચશ્મા કાઢી ધકકો માર્યો હતો. ત્યારબાદ જીત ઘરે ચાલ્યા ગયા પછી કુલદીપએ જીતને તું ધર્મરાજની સામે કેમ બોલશ? તેમ કહ્યું હતું અને હાથપગ તોડી નાખવાની તથા ફરિયાદ કરીશ તો પતાવી દેવાની ધમકી આપી હતી.
યુવાનને ધમકી આપ્યાના બનાવમાં પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


