જામજોધપુર તાલુકામાં રહેતા એક આસામીની વાડીમાંથી થોડા સમય પૂર્વે 28 બાચકામાં રહેલા 56 મણ તલની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવ પછી ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં તલ ચોરી પ્રકરણના આરોપીઓ પોતાનો માલ વેચવા આવ્યા હોવા અંગેની બાતમી એલસીબી પોલીસને મળતાં પોલીસે આ ચોરીમાં સંડોવાયેલા મનાતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.
જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે ઘાસના ગોડાઉન પાસે રહેતા એક આસામીએ પોતાની વાડીની ઓરડીમાં ખેત ઉપજના 56 મણ તલ રાખ્યા હતા. 28 બાચકામાં ભરીને રાખવામાં આવેલા રૂપિયા 1,23,200 ની કિંમતના તલની ચોરી સંદર્ભે જે-તે સમયે જામજોધપુર પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાયો હતો. આ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે ગોહિલના વડપણ પણ હેઠળ એલ.સી.બી.ની ટીમ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી અંતર્ગત એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ, હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા તથા ક્રિપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા અને જામજોધપુરના ચોરીના સ્થળ નજીકના વિસ્તારમાં રહેતા સંજય ધીરુભાઈ લોલડીયા, ચેતન રમેશભાઈ પંચાસરા અને રોહિત જયંતીભાઈ ઝિંઝુવાડીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે ચોરીના રૂપિયા 1,23,200 ની કિંમતના 56 મણ તલના 28 બાચકા, રૂપિયા ચાર લાખની કિંમતનું મહિન્દ્રા કંપનીનું બોલેરો વાહન તેમજ રૂા. 15,000 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 5,38,200 નો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આકાશ બારસીયા, એસ.એસ. ચૌહાણ અને એસ.વી. કાંબલીયા સાથે સ્ટાફના વિપુલભાઈ ડાંગર, સજુભા જાડેજા, ડાડુભાઈ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, ક્રિપાલસિંહ જાડેજા તેમજ ડી.જી. ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.