જામનગર જિલ્લામાં ત્રણ શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોય અને કોઇપણ જાતની જાણ કરી ન હોય. આ અંગે ત્રણેય શિક્ષકોને નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યા છે અને આગામી સમયમાં તમામ સામે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું ડીપીઈઓ વિપુલ મહેતાએ જણાવ્યું હતું.
જામનગર જિલ્લામાં 665 શાળાઓમાં હાલમાં 2200 થી વધુ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. જે પૈકી જામજોધપુર, લાલપુર, અને જામનગર ગ્રામ્યના ત્રણ શિક્ષકો કચોટ દેવાત, રાઠોડ પાર્થ અને સોનલ સોલંકી લાંબા સમયથી રજા લીધા વગર કે કોઇપણ જાતની જાણ કર્યા વિના ગેરહાજર રહેતાં હોય, ત્રણેય શિક્ષકોને નોટિસ ફટકારી હતી અને ખુલ્લાસો માંગવામાં આવ્યો હતો. જે પૈકી એક શિક્ષકે એક જવાબ રજૂ કર્યો છે જ્યારે અન્ય બે શિક્ષકો દ્વારા હજુ સુધી કોઇપણ જાતનો જવાબ કે ખુલાસો રજૂ કર્યો ન હોય. આગામી સમયમાં રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર ત્રણેય શિક્ષકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલ મહેતાએ જણાવ્યું હતું. હાલમાં સમગ્ર રાજ્યમાં ફરજમાં બેદરકારી દાખવનાર શિક્ષકો વિરૂધ્ધ મુહીમ ચાલી રહી હોય, જામનગરમાં ત્રણ ફરજમાં બેદરકારી દાખવનાર શિક્ષકો વિરૂધ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.