જામનગરના વાલ્કેશ્વરી નગરીમાં આજે વહેલી સવારે બીએમડબલ્યુ મોટરકાર વીજપોલ સાથે ટકરાતાં વીજપોલ ભાંગ્યો હતો. આ ઘટનામાં કારચાલકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં પીજીવીસીએલની ટીમ દોડી જઇ મરામત કામગીરી હાથ ધરી હતી. તેમજ વીજપોલ નુકસાની અંગે કારચાલક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં વહેલી સવારે આવી રહેલી જી.જે.10 ડી.એ. 3057 નંબરની બી.એમ.ડબલ્યુ. કાર એક વિજ પોલ સાથે ટકરાઈ હતી, જેના કારણે વીજપોલ ભાંગ્યો હતો. જે અકસ્માતના બનાવમાં કાર ચાલક ઘાયલ થયો હોવાથી તેને તાત્કાલિક અસરથી પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
આ અકસ્માત ના કારણે વીજ પોલ ભાંગી ગયો હોવાથી પીજીવીસીએલનું તંત્ર દોડતું થયું હતું, અને યુદ્ધના ધોરણે આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાવી દઇ નવો વીજપોલ ઉભો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વીજપોલ તૂટીને કાર ઉપર જ આડો પડ્યો હોવાથી તેને ખસેડીને કારને દૂર કરવામાં આવી હતી. જેથી કારમાં પણ નુકસાની થઈ છે. વિજતંત્ર દ્વારા વીજ પોલ સહિતની નુકસાની અંગેનું વળતર મેળવવા માટે કારચાલક સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.