જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા મહિલા વેપારીની આબરૂ લેવાનો પ્રયાસ કરી લૂંટના બનાવમાં જેલમાં રહેલાં શખ્સને હાઈકોર્ટમાંથી જામીન મળતા તેના જેલમાં રહેલા ભાઈને છોડાવવા માટે મહિલાને કેસમાં દબાણ કરી સમાધાન કરવા અને સમાધાન નહીં કરો તો દિકરાને પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલી સાધના કોલોનીમાં રહેતાં મહિલા વેપારીની સાથે આબરૂ લેવાનો પ્રયાસ કરી લૂંટ કર્યાના બનાવમાં હિતેશ ઉર્ફે સાકીડો સોમા ચાવડા અને તેના ભાઈ બિપીન સોમા ચાવડા વિરૂધ્ધ થયેલી ફરિયાદ બાદ બંનેને જેલ હવાલે કરવામાં આવ્યાં હતાં. જયાં હિતેશને હાઈકોર્ટમાંથી જામીન મંજૂર થયા હતાં. જ્યારે બીપીન જેલમાં હતો. જેથી હિતેશે મહિલાના ઘરે આવી તેના ભાઈને જેલમાંથી જામીન પર મુકત કરાવવા માટે કેસમાં સમાધાન કરી લેવા દબાણ કરી ગાળાગાળી કરી અને સમાધાન નહીં કરો તો મહિલાના પુત્રને પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની મહિલા દ્વારા જાણ કરાતા હેકો પી પી જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.