દેશ-દુનિયામાં પ્રકૃતિની વિસ્મયકારી ચાલ જોવા મળી રહી છે. રણપ્રદેશ દુબઈમાં ઘોડાપુર આવ્યા હતા, તો ભારતના મેદાની વિસ્તારોમાં એપ્રિલમાં જ લૂ વરસવા લાગી છે તો હિમાચલની પહાડીમાં એપ્રિલમાં જ બરફ પડી રહ્યા છે જયારે ઉતરાખંડના પહાડી ક્ષેત્રોમાં જંગલો ભડ ભડ સળગી રહ્યા છે. હિમાચલમાં શનિવારે બરફવર્ષા અને વરસાદથી 104 માર્ગો અને ત્રણ નેશનલ હાઈવે ઠપ્પ થઈ ગયા હતા. જયારે કાંગડામાં વરસાદના કારણે પુલ તણાઈ ગયો હતો. આઈએમડીએ હિમાચલપ્રદેશના અનેક ભાગોમાં 22-23 એપ્રિલે વિજળી પડવા અને વાવાઝોડાનો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉતરાખંડના કુમાઉમાં ઉચ્ચ હિમાલયી ક્ષેત્રોથી માંડીને મેદાન સાથે જોડાયેલા પહાડી ક્ષેત્રોમાં 15 જગ્યાએ જંગલો સળગી રહ્યા છે. પિથોરાગઢમાં બેરીનાગ ઝુલાઘાટ, ગંગોલીહાટમાં આગની ઘટનાઓ વધી રહી છે. બેરી નાગમાં અત્યાર સુધીમાં 20 હેકટર જંગલો સળગી ચૂકયા છે. જયારે નૈનીતાલ વન વિભાગના જંગલોમાં ત્રણ દિવસથી આગ ભડકી રહી છે.