દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં રહેતાં અને ટ્રાન્સપોર્ટનો વ્યવસય કરતા યુવાનને ગઈકાલે રાત્રિના સમયે અંબર ચોકડી પાસે ત્રણ શખ્સોએ આંતરીને ટ્રકની એનઓસી બાબતે બોલાચાલી કરી સરાજાહેર લોખંડના પાઈપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાની વિગત મુજબ, જામનગર શહેરમાં હવે સરાજાહેર હત્યા અને હુમલાઓની ઘટનાઓ દિવસને દિવસે ચિંતાજનક રીતે વધી રહી છે. જામનગરના અંબર ચોકડી જેવા ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર સોમવારે રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામનો સાગર ધીરજ ભાયાણી નામનો ટ્રાન્સપોર્ટર તેની કારમાં આવતો હતો તે દરમિયાન જયરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ અને સુખદેવસિંહ નામના ત્રણ શખ્સોએ આંતરીને ટ્રકની એનઓસી બાબતે બોલાચાલીનો ખાર રાખી લોખંડના પાઈપ વડે જાહેરમાં હુમલો કરી ગાળાગાળી કરી હતી. જાહેર રોડ પર હુમલો કરાતા ટ્રાફિક અટકી ગયો હતો. ત્યારબાદ હુમલાખોરો હુમલો કરીને નાશી ગયા હતાં. બાદમાં ઈજાગ્રસ્ત સાગરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ આર.પી. અસારી તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.