સાંસદ પૂનમબેન માડમ દ્વારા આદર્શ ગ્રામ યોજના અંતર્ગત દત્તક લીધેલ જામજોધપુર તાલુકાના સીદસર ગામે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સાંસદએ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સીદસર ગામે થયેલા વિકાસના કામો તથા લોકોના પ્રશ્ર્નો અંગે તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સમીક્ષા કરી હતી.તેમજ ગત સમીક્ષા બેઠકમાં ગ્રામ પંચાયત દ્વારા થયેલી રજૂઆતો વિશે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી.
ઉલ્લેખનિય છે કે આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સીદસર ખાતે એક કરોડના ખર્ચે પ્રાથમિક શાળાના મકાનનું રીનોવેશન કામ શરૂ છે તથા ગામમાં હાઈ માસ્ટનું કામ પૂર્ણ થયેલ છે તથા પેવર બ્લોકને લગતા કામો હાલ પ્રગતિ હેઠળ છે.બેઠકમાં સાંસદશ્રીએ જામજોધપુર તથા લાલપુર તાલુકામાં ચેકડેમ રીપેરીંગની કામગીરી થાય તે માટે લગત અધિકારીઓને સૂચના આપી હતી તેમજ આગામી સમયમાં સિદસર ગામને આધુનિક પીકઅપ બસ સ્ટેન્ડ તેમજ ઉપસ્થિત બહેનોની માગણી મુજબ સત્સંગ હોલ બનાવવાનું કામ કરવાની પણ જાહેરાત કરી હતી.
આ બેઠકમાં પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરીયા,જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર ચૌધરી, ગામના સરપંચ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યૉ, સંગઠનના હોદેદારૉ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.