સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા આવેલા સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોએ દ્વારકા જગતમંદિર, નાગેશ્ર્વર અને રૂક્ષ્મણી મંદિરની મુલાકાત લીધા બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાના શિવરાજપુર બીચ ખાતે વિવિધ રમતોનો આનંદ લીધો હતો. બ્લૂ ફ્લેગનો દરજ્જો ધરાવતા શિવરાજપુર બીચની સુંદરતાને તમિલ બાંધવોએ મનમૂકીને માણી હતી. તમિલ સૌરાષ્ટ્રીયન બંધુઓએ ટગ ઓફ વોર, સંગીત ખુરશી, બીચ વોલીબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, ડોઝબોલ, કોકોનટ થ્રો સહિતની રમતોનો આનંદ લીધો હતો. તેઓએ શિવરાજપુર બીચ પરથી સૂર્યાસ્તના નયનરમ્ય નજારો માણ્યો હતો. આ વિવિધ રમતોનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં તમિલ સૌરાષ્ટ્રીયન બાંધવો બીચ પર જ ગરબે ઘૂમ્યા હતા. બીચ પરના પ્રવાસીઓ પણ તેમની સાથે ગરબામાં જોડાયા હતા. આ ઉપરાંત, તમિલ સંસ્કૃતિ મુજબ નૃત્ય પણ બાંધવોએ કર્યું હતું. તમિલ બાંધવોના ઉત્સાહભેર નૃત્યને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત દ્વારકા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દૈવિય મદુરાઇ ગીતથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ થૂડુમ્બટ્ટમ તેમજ સૌરાષ્ટ્રના ખમીરવંતા ઇતિહાસને પ્રસ્તુત કરતો તલવાર રાસ જોઈને સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવો મંત્રમુગ્ધ થયા હતા.ત્યારબાદ તમિલનાડુની સંસ્કૃતિને ઉજાગર કરતું કરગટ્ટમ રજૂ કર્યું હતું. આ પછી સૌરાષ્ટ્રનો પ્રખ્યાત મણિયારો રાસ, થપ્પટમ અને અંતે ફિનાલે ફ્યુઝનમાં સૌ તમિલ બંધુઓ – ભાગીનીઓ ઝૂમી ઉઠ્યા હતા. કાર્યક્રમના અંતે ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ઝાંખી કરાવતું નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, દ્વારકા મામલતદાર વી.કે. વરૂ, દ્વારકા તાલુકા વિકાસ અધિકારી કે.વી. સેરઠીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.