દ્વારકા નજીક આવેલા એક રિસોર્ટના માલિક દ્વારા આ રિસોર્ટનો વહીવટ મૂળ રાજસ્થાનના રહીશ એવા એક કર્મચારીને સોંપવામાં આવતા તેના દ્વારા હિસાબમાં ગોટાળા કરી અને હિસાબના રૂપિયા 8.93 લાખની રકમ મેળવી લીધી હોવાથી અંગેની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે મૂળ રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાના રહીશ અને દેવભૂમિ દ્વારકાથી આશરે 8 કિલોમીટર દૂર આવેલી બાપુ’ઝ રિસોર્ટના મુખ્ય સંચાલક એવા આનંદસિંહ શ્રીસુજાનસિંહ મેડતીયા નામના 38 વર્ષના યુવાન દ્વારા રાજસ્થાન રાજ્યના દુદા જિલ્લાના મોલાડા ગામે રહેતા સતવંતસિંહ ગોવિંદસિંહ અંગારોજ નામના શખ્સ સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ બાપુ’ઝ રિસોર્ટમાં જનરલ મેનેજર તરીકે કામ કરતા ફરિયાદી આનંદસિંહ સાથે ફ્રન્ટ ઓફિસર મેનેજર (રિસેપ્શનીસ્ટ) તરીકે કામ કરતા આરોપી સતવંતસિંહ દ્વારા તા. 31 મે’ 23 થી તા. 2 જૂન’ 23 સુધીના સમયગાળા દરમિયાન અહીં રિસોર્ટમાં આવતા યાત્રાળુઓ તેમજ પ્રવાસીઓની જમા થતી ભાડાની તેમજ ભોજનની રોકડ રકમના કલેક્શનની હિસાબની તેમની જવાબદારી સાથે રિસોર્ટમાં કામ કરતા માણસોના પગાર તથા અન્ય ખર્ચના હિસાબની કામગીરી દરમિયાન આરોપી શખ્સે શેઠ દ્વારા તેના પર મૂકવામાં આવેલા વિશ્વાસ અને ભરોસાનો તેણે ભંગ કરી અને રિસોર્ટના હિસાબના બચતના આશરે રૂપિયા 8,93,159 જેટલી રકમ તેણે પોતાના ઉપયોગ માટે લઈને વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે બાપુ’ઝ રિસોર્ટના જનરલ મેનેજર આનંદસિંહ મેડતીયાની ફરિયાદ પરથી રિસોર્ટના રિસેપ્શનીસ્ટ સતવંતસિંહ અંગારોજ સામે આઈ.પી.સી. કલમ 420 તથા 408 મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. આર.એચ. સુવાએ હાથ ધરી છે.