જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં 5.17 કરોડના જુદા જુદા વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના મજબૂતિકરણ અને સુવિધાઓ વધારવા માટે 1.53 કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે દરેક કોર્પોરેટરને 10-10 નંગ તથા પદાધિકારીઓને 50-50 નંગ એલઇડી ફિટીંગની ફાળવણી કરવામાં આવી છે.
ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં આજે રાજ્ય સરકારના જીઆર મુજબ કોન્ટ્રાકટરોને સ્ટાર રેઇટ અને ભાવ વધારો ચૂકવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે નાણા પંચની ગ્રાન્ટ અન્વયે કાલાવડનાકા બહાર કલ્યાણ ચોકથી મોરકંડા ગામના બ્રિજ સુધી રસ્તાને પહોળો બનાવી તેના પર ડામર કાર્પેટ કરવા માટે 1.33 કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. જ્યારે શહેરના જુદા જુદા ઝોનમાં ડામર રોડના પેચવર્ક, મજબૂતિકરણ અને સ્પિડ બે્રકર બનાવવા માટે 1.18 કરોડના ખર્ચને પણ બહાલી આપવામાં આવી હતી. શહેરમાં આવેલા જુદા જુદા 10 ઇએસઆરના ઓપરેશન અને મેઇટેનન્સ માટે 31.38 લાખ મંજૂર કરવામાં આવ્યા હતાં. મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત ફાળવાયેલી આઉટ ગ્રોથ ગ્રાન્ટ અન્વયે લાલપુર રોડ કિર્તી પાનથી અંદરની તરફ જતાં ડીપી રસ્તા ઉપર આરસીસી બોકસ કેનાલ બનાવવા 81.89 લાખનો ખર્ચ પણ મંજૂર કરાયું હતું.
લાલપુર બાયપાસ જંકશન પર બનનારા ફલાઇ ઓવર બ્રિજની ક્ધસલટન્સી સર્વિસને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં મેયર બિનાબેન કોઠારી, કમિશનર વિજય ખરાડી, ઇન્ચાર્જ ડે. કમિશનર ભાવેશ જાની, ઇન્ચાર્જ આસિ. કમિશનર કોમલબેન પટેલ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.