આગામી 48 કલાક સમગ્ર રાજય માટે ખૂબજ ભારે માનવામાં આવી રહયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં મંડરાઇ રહેલી વરસાદી સિસ્ટમને કારણે જળપ્રલય જેવી સ્થિતિ નિર્માણ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર-કચ્છ સાથે સમગ્ર રાજયને રેડઝોનમાં રાખવામાં આવ્યું છે. આગામી 48 કલાક દરમ્યાન અનેક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના દર્શાવવામાં આવી હોય રાજયનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સતર્ક બન્યું છે. એટલું જ નહીં રાજય સરકારના અન્ય વિભાગો પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજજ બન્યા છે. વરસાદી સિસ્ટમ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાજયના કંટ્રોલરૂમ અને હવામાન વિભાગ સાથે સતત સંકલન કરવામાં આવી રહયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજયની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહયા છે. સાથે-સાથે જે જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. ત્યાંના જિલ્લા કલેકટરો અને તંત્રને સાબદા રહેવા તેમજ જરૂરી તમામ વ્યવસ્થા કરવાની સૂચના આપી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી સઘન વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે. મોટાભાગના જળાશયો તેની સંપૂર્ણ ક્ષમતાએ ભરાયેલા હોય વધુ વરસાદની સ્થિતિમાં આ જળાશયોના પાણી આફત બની શકે તેમ છે. જળાશયોમાંથી છોડવામા આવતાં પાણીને કારણે નદી કાંઠાના વિસ્તારોમાં પૂરની સંભાવનાઓને ધ્યાને લઇ આગોતરૂં આયોજન કરવામાં આવી રહયું છે.
હાલાર પર રવિવાર ભારે
સતત મંડરાઇ રહેલી વરસાદી સિસ્ટમને કારણે હાલાર પર રવિવાર ખૂબજ ભારે જણાઇ રહ્યો છે. રવિવાર રાત સુધીમાં હાલારના બન્ને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કેટલાક સ્થળોએ આભ ફાટયા જેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા બન્ને જિલ્લાઓમાં વરસાદનું રેડએલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન એજન્સી વિંડી અને બીબીસી વેધર દ્વારા પણ રવિવારે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં અતિ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. ભારે વરસાદની સંભાવનાને પગલે બન્ને જિલ્લાના તંત્રો સતર્ક બન્યા છે. જયારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.