દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગાર સામે પોલીસે એક જ દિવસે ચાર અલગ-અલગ સ્થળે દરોડા પાડી કુલ 25 શખ્સોને ઝડપી લીધા હતા. ખંભાળિયા તાલુકાના સામોર અને હંજરાપર, કલ્યાણપુર તાલુકાના નંદાણા તેમજ ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે થયેલી કાર્યવાહીમાં પોલીસે કુલ રૂા.39,350ની રોકડ, પાંચ મોબાઈલ ફોન અને નવ મોટરસાયકલ સહિત રૂા.1,89,350નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જૂગારદરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, ખંભાળિયા તાલુકાના સામોર ગામની સામોરીયા સીમ શાળાની પાછળના ખુલ્લા વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસે રેઈડ દરમિયાન જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર માલદે વીરા ચાવડા, જીવા ગોગન આંબલીયા, ડાડુ દેવશી નંદાણીયા, દેવા ખીમા આંબલીયા, નારણ હેભા ગોજીયા અને હરદાસ કાના ગોજીયાના છ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા.16370 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજો દરોડો, ખંભાળિયા તાલુકાના હંજરાપર ગામેથી પોલીસે રેઈડ દરમિયાન જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મહેશ રણમલ કણઝારીયા, પ્રવિણ નારણ વહેરા, નરશી હિરા કણઝારીયા અને વેજા દેવા વહેરા નામના ચાર શખ્સોને રૂ.10,730ની રોકડ અને રૂ.25 હજારની કિંમતના પાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂ.35, 730ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ત્રીજો દરોડો, કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે ડેમની પાળ પર બેસીને જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા ધર્મેશ નરશી નકુમ, અમીત રણછોડ નકુમ, કાર્તીક રણછોડ ડાભી, જમન વેરજી કણજારીયા, અશોક હીરા માતંગ, હેમત લાખા મકવાણા, નારણ સામજી નકુમ, અલ્પેશ ખીમા નકુમ, અરવિંદ વિપુલ નકુમ, રમેશ લાખા માતંગ, હરીશ શામજી નકુમ અને ભોલા રામા ચાવડા નામના 12 શખ્સો તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતાં. પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,220ની રોકડ અને અંદાજે રૂ. સવા લાખની કિંમતના નવ મોટરસાયકલ મળી કુલ રૂા.1,35,220નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ચોથો દરોડો, ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામના વાડી વિસ્તારમાં આવેલા એક મંદિરના ઓટલા પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળતાં ભાણવડ પોલીસે રેઇડ દરમિયાન કાના રામા ડાંગર, સામત મારખી કરમુર અને જલા રણમલ કરમુરને રૂ. 2030 ની રોકડ રકમ સાથે જૂગાર રમતા ઝડપી લીધા હતા.
આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગાર સામે હાથ ધરાયેલી ચાર અલગ-અલગ કાર્યવાહીમાં કુલ 25 શખ્સો ઝડપાયા હતા. પોલીસે ચારેય સ્થળેથી કુલ રૂ.39,350ની રોકડ, પાંચ મોબાઈલ ફોન, નવ મોટરસાયકલ તથા 312 ગંજીપત્તાના પાના મળી રૂ.1,89,350નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ સામે જુગારધારાની કલમ મુજબ ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


