રખડતા ઢોરોના ત્રાસ અંગેની ક્ધટેમ્પ્ટ પિટિશન અને જાહેરહિતની રિટની સુનાવણી દરમ્યાન આજે ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓને આગામી તા.17મી ઓકટોબર સુધી અમદાવાદ શહેર સહિત રાજયભરમાં સતત 24 કલાક રખડતા ઢોરોને પકડવાની કામગીરી અસરકારક રીતે ચાલુ રાખવા આદેશ કર્યો હતો. અરજદારપક્ષ તરફથી રાજયમાં રખડતા ઢોર પકડવાની કામગીરી 24 કલાક ચાલુ રખાય તેવી કરાયેલી માંગણીના અનુસંધાનમાં હાઇકોર્ટે આ નિર્દેશ કર્યો હતો.
રખડતા ઢોરોના ત્રાસ અંગે એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી ક્ધટેમ્પ્ટ પિટિશન અને જાહેરહિતની રિટની સુનાવણીમાં અગાઉ નરોડા વિસ્તારમાં રખડતા ઢોરની અડફેટે ગંભીર ઇજાઓ થવાની યુવકના મોતના કેસની હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને અમ્યુકો સત્તાવાળાઓના બેદરકારીભર્યા વલણ પરત્વે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી.
હાઇકોર્ટે સરકાર અને અમ્યુકોને ફરી એકવાર માર્મિક ટકોર કરીને રખડતા ઢોરના કારણે થતાં મોત કે ઇજાના કિસ્સામાં યોગ્ય વળતર ચૂકવવા સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. જેથી આજે સરકાર કે સંબંધિત સત્તાધીશો તરફથી જવાબ રજૂ કરાય તેવી શકયતા હતી પરંતુ બપોર પછી ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બેંચ ઉપલબ્ધ નહી હોવાથી મેટરની બહુ સુનાવણી હાથ ધરી શકાઇ ન હતી. જો કે, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓને સતત 24 કલાક રખડતા ઢોર પકડવાની અસરકારક કામગીરી ચાલુ રાખવા બાબતે અરજદારપક્ષ દ્વારા હાઇકોર્ટને વિનંતી કરાઇ હતી, તેથી હાઇકોર્ટે તેનો એ ઓરીજનલ હુકમની અમલવારી તા.17 ઓકટોબર સુધી અસરકારકતાથી ચાલુ રાખવા નિર્દેશ કર્યો હતો.
હાઇકોર્ટના સ્પષ્ટ આદેશ છતાં અને અમ્યુકો સહિત સત્તાવાળાઓના અસરકારક કામગીરી કરાઇ રહી હોવાના દાવા વચ્ચે હજુ પણ શહેર સહિત રાજયમાં રખડતા ઢોરોના ત્રાસની સમસ્યા યથાવત્ છે. નિર્દોષ નાગરિકો હજુ પણ રખડતા ઢોરના કારણે ગંભીર ઇજા અને મૃત્યુનો ભોગ બની રહ્યા છે. હાઇકોર્ટે અગાઉ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં સતત 24 કલાક રખડતા ઢોર પકડવાની કામગીરી કરવા અમ્યુકો સહિતના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓને સ્પષ્ટ આદેશ કરેલો જ છે પરંતુ કરૂણ વાસ્તવિકતા એ છે કે, તેનું કોઇ અસરકારક પાલન જ થતુ નથી. આજે પણ શહેર સહિત રાજયભરમાં માર્ગો પર, ફુટપાથ કે ખુલ્લી જગ્યાઓમાં રખડતા ઢોર બિન્દાસ્ત ફરતા જોવા મળી રહ્યા છે. આમ, ઢોર માલિકો અને સત્તાધીશો દ્વારા હાઇકોર્ટના આદેશની અવમાનના થઇ રહી છે, તેથી જ અરજદારને આજે હાઇકોર્ટનું ધ્યાન દોરવાની ફરજ પડી હતી.