કલ્યાણપુર તાલુકામાં રહેતી આશરે પોણા તેર વર્ષની સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવવા સબબ ગોકુલપર ગામના પરિણીત શખ્સને અહીંની સ્પેશિયલ પોક્સો અદાલતે 20 વર્ષની સજા તથા રૂા. 25,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ગોકલપર ગામના વાડી વિસ્તારમાં રહેતા રાજા લખમણભાઈ કણજારીયા નામના 32 વર્ષના પરિણીત અને સંતાનોના પિતા એવા શખ્સ દ્વારા આશરે પોણા તેર વર્ષની સગીર તરૂણીને સ્કૂલ જતી વખતે તેમજ સગીરાના પરિવારજનો બહારગામ ગયા હોય ત્યારે તેણીના ઘરે એકલતાનો ગેરલાભ લઈ અને બળજબરીપૂર્વક અવારનવાર દુષ્કર્મ આચારવામાં આવ્યાનો બનાવ ખુલવા પામ્યો હતો.
આ સગીરાને પેટમાં દુ:ખાવા તેમજ તબિયત ઠીક ન રહેતી હોવાથી તબીબી તપાસમાં સોનોગ્રાફી દરમિયાન તેણીને બે માસનો ગર્ભ હોવાનું જાહેર થયું હતું. આ સમગ્ર પ્રકરણમાં સગીરા સાથે દુષ્કર્મ થવાથી તેણી સગર્ભા બની હોવા અંગે સગીરાના પરિવારજનો દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 363, 366, 376, વિગેરે ઉપરાંત પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ કેસમાં તપાસનીસ અધિકારી પી.આઈ. વિશાલ વાગડિયા દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી, અને ભોગ બનનારની મેડિકલ તપાસણી, એફએસએલ રિપોર્ટ તેમજ જરૂરી કાર્યવાહી બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું.
આ પ્રકરણમાં અહીંના જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા અદાલત સમક્ષ ફરિયાદી, ભોગ બનનાર તથા મેડિકલ ઓફિસરની જુબાની તેમજ 15 સાહેદોની તપાસ અને વિવિધ રિપોર્ટ રજૂ કરીને કરવામાં આવેલી મુદ્દાસરની દલીલોને ધ્યાને લઈ અને સ્પેશિયલ પોક્સો કોર્ટના સેશન્સ જજ કે.જે. મોદી દ્વારા આરોપી રાજા લખમણભાઈ કણજારીયાને તકસીરવાન ઠેરવી, દુષ્કર્મ તથા પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ 20 વર્ષની સખત કેદ તેમજ અન્ય ગુનાઓમાં પણ કેદ ઉપરાંત કુલ રૂપિયા 25,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ ઉપરાંત આ કેસમાં ભોગ બનનાર સગીરાની માનસિક પરિસ્થિતિ તેમજ ઉંમરને ધ્યાનમાં લઈને તેણીને વીક્ટિમ કેમ્પેનસેશન સ્કિમ હેઠળ રૂપિયા 11 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.