લાલપુર તાલુકાના રંગપર ગામમાં આવેલા સુમરા વિસ્તારમાં રહેતો કમિશન એજન્ટ ગઈકાલે બપોરના સમયે કાચા રસ્તા પરથી બાઈકમાં જતો હતો તે દરમિયાન રસ્તામાં બે અજાણ્યા બાઈકચાલકોએ યુવાનને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટી તેની પાસે રહેલી રૂા.20 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાશી ગયા હતાં. પોલીસે લૂંટારૂઓને ઝડપી લેવા નાકાબંધી કરી તપાસ આરંભી હતી.
લૂંટના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના રંગપર ગામમાં રહેતો બિયારણનો વેપારી કમિશન એજન્ટ અવેશ દોસમામદ ખીરા (ઉ.વ.28) નામનો યુવાન મંગળવારે બપોરના સમયે તેના બાઈક પર રૂા.20 લાખની રોકડ ભરેલો થેલો લઇને કાચા માર્ગ પરથી પસાર થતો હતો તે દરમિયાન રસ્તામાં સ્પ્લેન્ડર જેવા બાઈક સાથે ઉભેલા બે અજાણ્યા શખ્સોએ અવેશને આંતરીને તેની આંખમાં મરચાની ભૂકી છાંટી અને હાથમાં રહેલી રૂા.20 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી લઇ બાઈક પર પલાયન થઈ ગયા હતાં. રોકડની લૂંટ તથા યુવાને બુમાબુમ કરી હતી. જેથી આજુબાજુના વિસ્તારના લોકો દોડી આવ્યાં હતાં અને ત્યારબાદ પોલીસમાં જાણ કરવામાં આવતા પીએસઆઇ વાય.બી.રાણા સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી બાઈક પર રોકડની લૂંટ ચલાવી નાશી ગયેલા લૂંટારુઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. લૂંટના બનાવનો ભેદ ઉકેલવા એલસીબી-એસઓજીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે અવેશ ખીરાના નિવેદનના આધારે બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ રૂા.20 લાખ રોકડ ભરેલા થેલાની લુંટનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં તેમજ પોલીસે લૂંટના બનાવમાં ફરિયાદીની પણ પૂછપરછ આરંભી હતી.