Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારદ્વારકાની ખંભાળિયા બેઠક માટે 16 અને દ્વારકા બેઠક માટે 6 દાવેદારો

દ્વારકાની ખંભાળિયા બેઠક માટે 16 અને દ્વારકા બેઠક માટે 6 દાવેદારો

દ્વારકા જિલ્લામાં વિધાનસભા ચૂંટણી સંદર્ભે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાયા : ભાજપના ત્રણ નિરીક્ષકોની ટીમ દ્વારા કાર્યવાહી

- Advertisement -

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા બે દિવસ દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં શુક્રવારે નિરીક્ષકો સમક્ષ ઉમેદવારોની કામગીરી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ઉચ્ચ કક્ષાએથી આવેલા ત્રણ નિરીક્ષકોએ જિલ્લાની બંને બેઠકો માટે ઉમેદવારોની નોંધણી તથા જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાની 81- ખંભાળિયા તથા 82 – દ્વારકા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા ટિકિટ ફાળવણીના સંદર્ભમાં સેન્સ લેવા માટે શુક્રવારે જયસિંહ ચૌહાણ, મહેશભાઈ કસવાલા અને રક્ષાબેન બોડીયા દ્વારા નિરીક્ષક અંગેની કામગીરી કરવામાં આવી હતી.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના ટાઉનહોલ ખાતે ત્રણેય નિરીક્ષકો દ્વારા શુક્રવારે સવારે 9 વાગ્યાથી નિરીક્ષકો દ્વારા જિલ્લાના તમામ 10 મંડલોના હોદેદારો કારોબારી સભ્યો, પાલિકા પ્રમુખો તથા આગેવાનો સમક્ષ ચૂંટણી અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખંભાળિયા, સલાયા, ભાણવડ શહેર, રાવલ, દ્વારકા, ઓખા, વિગેરેના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નિરીક્ષકોની ટીમે ચર્ચા વિચારણા કરી તેમની રજૂઆતો સાંભળી હતી.

81- ખંભાળિયા વિધાનસભા માટે કુલ 17 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. જે પૈકી એક ઉમેદવારની ઉંમર ઓછી હોવાનું જણાવી તેમનું ફોર્મ રદ થયું હતું. આ 16 ઉમેદવારોમાં રાજ્યના પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, ખંભાળિયાના સતવારા અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હરિભાઈ નકુમ, જિલ્લા મહામંત્રી તથા ગઢવી સમાજના આગેવાન મયુરભાઈ ગઢવી, જામનગર શહેર મહામંત્રી મેરામણભાઈ ભાટુ, ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાના પુત્ર પ્રભાત ચાવડા, રામશીભાઈ ગોરિયા, ભરતભાઈ ચાવડા, પી.એમ. ગઢવી, સોમાતભાઈ ચાવડા, હમીરભાઈ છુછર, જે.કે. કણઝારીયા, પ્રતાપભાઈ પિંડારિયા, જગાભાઈ ચાવડા, મશરીભાઈ નંદાણીયા, પરબતભાઈ ભાદરકા, તથા કેશુભાઈ ચાવડાએ નિરીક્ષકો સમક્ષ પોતાના દાવેદારી ફોર્મ રજૂ કર્યા હતા.

- Advertisement -

દ્વારકા જિલ્લાની 82 – દ્વારકા બેઠક માટે કુલ છ ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં તત્કાલીન ધારાસભ્ય પબુભા માણેક, તેમના પુત્ર સહદેવસિંહ માણેક, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિઠ્ઠલભાઈ સોનગરા, જગાભાઈ ચાવડા, રામશીભાઈ ગોરીયા તથા નગાભાઈ ગાધેરના દાવેદારી ફોર્મ નિરીક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. આ સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહેલા નિરીક્ષકોએ આ કામગીરી દરમિયાન 500 જેટલા કાર્યકરોને વ્યક્તિગત તથા સામુહિક રીતે મળી અને તેમની રજૂઆતો સાંભળી હતી. આજે જિલ્લામાં નોંધાયેલા બંને બેઠકના મળી કુલ 22 જેટલા ઉમેદવારી ફોર્મ તથા નામાવલી ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાશે અને ત્યારબાદ કેન્દ્રની પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોની ફાઇનલ પસંદગી જાહેર કરવામાં આવશે. કાર્યકરો તથા હોદ્દેદારોને મળ્યા બાદ જિલ્લા ભાજપની સંકલન મીટીંગમાં પણ નિરીક્ષકો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લી બે ટર્મથી ખંભાળિયાની બેઠક કોંગ્રેસના ઉમેદવારોના ફાળે જાય છે. જે પૂર્વે આ બેઠક બે દાયકા સુધી ભાજપના કબજામાં હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular