જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં બે સપ્તાહથી કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જો કે આ વખતે કોરોનાની ઘાતકતા ઓછી હોવાથી મહદઅંશે રાહત અનુભવાઈ છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં 14 નવા કેસ અને ખંભાળિયામાં એક મળી કુલ 15 પોઝિટિવ કેસ હાલારમાં નોંધાયા છે.
ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વકરી રહ્યું છે. જો કે, શનિવારે 400 થી વધુ કેસ નોંધાયા હતાં. પરંતુ, સોમવારે આ આંકડો ઘટીને 400 ની અંદર જતો રહ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ પોઝિટિવ કેસની સંખ્યા અમદાવાદમાં નોંધાઇ રહી છે તેમજ મૃત્યુઆંક આ વખતે ઘટી ગયો છે. રાજ્યની સાથે સાથે હાલારમાં કોરોના સંક્રમણ ઝડપથી વકરતું જાય છે. જેમાં જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધતી જાય છે. છેલ્લાં 24 કલાકના આંકડાઓ જોઇએ તો શહેરમાં 9 અને તાલુકા વિસ્તારમાં 4 તથા લાલપુરમાં એક મળી જામનગર જિલ્લામાં કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં છેલ્લા દસેક દિવસના સમયગાળા દરમિયાન પાંચ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈકાલે સોમવારે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં ખંભાળિયાના 216 સહિત જિલ્લામાં કુલ 483 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ખંભાળિયાના રામનગર વિસ્તારમાં કોરોનાનો એક દર્દી હોવાનું જાહેર થયું છે. રાજ્યના જામનગર સહિતના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વધતા જતા નવા કેસોના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે.