જામનગરમાં રહેતા અને મીઠાપુરમાં ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ ધરાવતા એક યુવાનનો રૂ. 13.60 લાખનો મુદ્દામાલ સગેવગે કરી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ કોન્ટ્રાક્ટરના ભત્રીજા તથા તેમના મિત્ર સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે જામનગરમાં તિરૂપતિ પાર્ક – 2 વિસ્તારમાં રહેતા અને સરસ્વતી એન્જિનિયરિંગ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર એવા ધર્મેન્દ્ર રામાધાર ગુપ્તા (ઉ.વ.46) નામના યુવાને તેમના ભત્રીજા એવા બિહાર રાજ્યના રોહતાસ જિલ્લાના તુલોથુ વિસ્તારના રહીશ અમરનાથ અનિલ ગુપ્તા અને જામનગર ખાતે રહેતા તેમના મિત્ર હાર્દિક ગોસ્વામી સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે વર્ષ 2024-25 ના સમયગાળા દરમિયાન એમને મીઠાપુર ખાતે એક ખાનગી કંપનીમાં સ્ક્રાફ ફોલ્ડીંગ વર્કનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. જેમાં અહીં લોખંડ સહિતનો જુદો જુદો માલ રાખવામાં આવતો હતો. અહીં તેમણે સુપરવિઝન માટે તેમના ભત્રીજા એવા અમરનાથ ગુપ્તાને જવાબદારી સોંપી હતી.
ત્યારબાદ વર્ષ 2024ના સમયગાળા દરમિયાન જામનગર ખાતે રહેતા હાર્દિક ગોસ્વામી સાથે ફરિયાદી ધર્મેન્દ્ર ગુપ્તાને મિત્રતા થઈ ગઈ હતી અને તારીખ 6 ઓક્ટોબર 2025ના રોજ હાર્દિકને તેઓ મીઠાપુરની કંપનીમાં કામ બતાવવા લઈ આવ્યા હતા અને ભત્રીજા અમરનાથની હાર્દિક સાથે ઓળખાણ કરાવી હતી. આ પછી યનકેન પ્રકારે અમરનાથ અને હાર્દિકે મળી અને કંપનીમાં રાખવામાં આવેલા આઠ ટન જેટલા 250 નંગ લોખંડના પાઇપ, 50 નંગ ઝાળી તેમજ અન્ય મુદ્દામાલની હેરાફેરી કરી અને સગેવગે કરી દીધો હોવાનું ખુલવા પામ્યું હતું.
આમ, ફરિયાદીના મિત્ર તેમજ ભત્રીજાએ એકબીજાની મદદગારી કરી અને રૂ. 13,60,000નો મુદ્દામાલ સગેવગે કરી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે મીઠાપુરના પી.આઈ. એસ.આર. ખરાડી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


