જોડિયા તાલુકાના રસનાળ ગામની સીમમાં ખેતમજૂરી કરતા યુવકે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. કાલાવડ તાલુકાના માખાકરોડ ગામમાં રહેતાં મહિલાએ તેની માનસિક બીમારીથી કંટાળીને તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જોડિયા તાલુકાના રસનાળ ગામની સીમમાં આવેલી શાંતિલાલ જીવાણીના ખેતરમાં મજૂરી કામ કરતા અને મધ્યપ્રદેશના વતની રીકેશ ધનસિંહ બામણિયા (ઉ.વ.26) નામના યુવકે ગત તા.19 ના રોજ સવારના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મંગળવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકની પત્ની સાયદાબેન દ્વારા જાણ કરાતા હેકો વી.વી.બકુત્રા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના માખાકરોડ ગામમાં રહેતાં જયશ્રીબેન રમેશભાઈ ઠુમ્મર (ઉ.વ.50) નામના મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોય અને ઘણાં સમયથી દવા ચાલુ હોવા છતાં તબીયતમાં સુધારો થતો ન હતો. જેથી જયશ્રીબેને તેની માનસિક બીમારીથી કંટાળીને ગત બુધવારે બપોરના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું મંગળવારે બપોરના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ રમેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.