જામનગર શહેરમાં આવેલી વિભાજી સરકારી હાઈસ્કૂલમાં માર્ચ માસમાં ફાયર સેફટી એનઓસી ન હોવાથી શાળાને સીલ કરવામાં આવી હતી. આ મામલે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આ મામલે આજે મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસરની કચેરી સામે ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલી વિભાજી સરકારી શાળામાં ફાયર સેફટીના સાધનો અને એનઓસી ન હોવાથી માર્ચ મહિનામાં ફાયર શાખા દ્વારા સિલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકરણમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા શાળાને ફરીથી ખોલવા માટે અગાઉ ફાયર ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી. પરંતુ, યોગ્ય ઉકેલ આવ્યો ન હતો. જેથી આજે જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, એનએસયુઆઇ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, શકિતસિંહ જેઠવા સહિતના હોદ્દેદારો દ્વારા આજે મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસરની ઓફિસ સામે ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં તેમજ વધુમાં વિભાજી સ્કૂલના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ત્રણ વખત અને કાર્યપાલક ઈજનેરને ચાર વખત લેખિતમાં ફાયર સાધનોની વ્યવસ્થા માટે ગ્રાન્ટ ફાળવવાની જાણ કરી હોવા છતાં આ મામલે કોઇપણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી વિભાજી સરકારી હાઈસ્કૂલ ફરીથી ખોલવા માટે ચીફ ફાયર ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.