જામનગર શહેરના ગાંધીનગર મોમાઇનગર વિસ્તારમાં રહેતાં વિપ્ર યુવાનને અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર તાલુકાના મસીતિયા ગામમાં રહેતી બાળકીનું તાવ અને આંચકી આવતા જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગર મોમાઈનગર 1 વિસ્તારમાં રહેતા અને નોકરી કરતા હિરેનભાઈ રસિકલાલ પંડયા (ઉ.વ.38) નામના યુવાને ગત તા.12 ના રોજ સાંજના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બેશુદ્ધ હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ધવલ વ્યાસ દ્વારા જાણ કરાતા હેકો પી.કે.વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતા પોલીસના પ્રાથમિક તારણમાં પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થયા બાદ યુવાન પતિ એ આત્મહત્યા કરી હોવાના આધારે પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના મસીતિયા ગામમાં રહેતાં મામદભાઈ મુસાફભાઇ નાઈ નામના મજૂરી કામ કરતા યુવાનની પુત્રી ફરઝાના નાઈ (ઉ.વ.06) નામની બાળકીને શનિવારે તાવ અને આચંકી આવતા તબિયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હેકો ડી. જી. ઝાલા તથા સ્ટાફે મૃતકના પિતાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.