જામનગરના દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ નીચે એક મહિના અગાઉની બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ શ્રમિક યુવાન ઉપર કુવાડા અને તલવાર વડે હુમલો કરી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસમાં રહેતાં ઈસ્માઇલ નુરમામદ ચમડીયા નામનો યુવાન તેની દુકાન પાસે ભરેલો કચરાના ઢગલાને લઇ લેવાનું એક મહિના અગાઉ કહ્યું હતું તે બાબતનો ખાર રાખી શુક્રવારે બપોરના સમયે દિગ્જામ સર્કલ બ્રિજ નીચે રમેશ કોળી અને તેના બે પુત્રો તથા એક મિત્ર સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી ઈસ્માઇલ ઉપર કુહાડો અને તલવાર વડે હુમલો કર્યો હતો. ચાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં યુવાનને શરીરે અને હાથમાં ઈજા પહોંચી હતી તેમજ ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એમ. વી. દવે તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.